શ્રી કષ્ટભંજનદેવના દરબારમાં દિવ્ય રંગોત્સવ
51,000 કિલો ઓર્ગેનિક રંગોની થઈ હેલી
ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ યોજાયો
1.50 લાખથી વધુ ભક્તો ભક્તિના રંગે રંગાયા
ભક્તોએ ગુલાલની છોળો વચ્ચે ધન્યતા અનુભવી
બોટાદ જિલ્લાના ભક્તિ અને રંગોના સંગમ સમાન પવિત્ર ધામ સાળંગપુરધામમાં હોળી-ધુળેટીના પવિત્ર પર્વ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવના દરબારમાં 'દિવ્ય રંગોત્સવ'ની ઉજવણી કરવામાં આવી હતી.પ.પૂ. શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણા અને પ.પૂ. કોઠારી શ્રી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ મહોત્સવમાં દોઢ લાખથી વધુ ભક્તો ઉમટી પડ્યા હતા. આખું મંદિર પરિસર 'જય કષ્ટભંજનદેવ'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ઉત્સવની શરૂઆત દાદાની દિવ્ય આરતી અને હનુમાન ચાલીસાના પાઠ સાથે કરવામાં આવી હતી.
આ વર્ષના રંગોત્સવની ખાસિયત એ હતી કે 51,000 કિલો શુદ્ધ ઓર્ગેનિક રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. લાલ, પીળો, નારંગી અને ગુલાબી એમ સાત વિવિધ રંગોની છોળો ઉડતા જાણે આકાશ ભક્તિના રંગે રંગાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ગુજરાતનો આ સૌથી મોટો રંગોત્સવ ભક્તો માટે અવિસ્મરણીય બની રહ્યો હતો.દાદાના ચરણોમાં શિશ નમાવી ભક્તોએ ગુલાલની છોળો વચ્ચે ધન્યતા અનુભવી હતી.