Connect Gujarat
ગુજરાત

કોંગ્રેસનો ગઢ ગણાતી આદિવાસી વિસ્તારની વલસાડ-ડાંગ લોકસભા બેઠકને ફરી કબજે કરવા કોંગ્રેસની કવાયત…

લોકસભાની ચૂંટણીની જાહેરાતની ઘડીઓ વાગી રહી છે, ત્યારે વલસાડ જિલ્લામાં પણ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે.

X

વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણી માટેની તૈયારી પુરજોશમાં શરૂ કરવામાં આવી છે, ત્યારે કપરાડા તાલુકાના બાલચોંડી ગામમાં કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાની અધ્યક્ષતામાં કાર્યકર્તા સંમેલન યોજાયું હતું.

લોકસભાની ચૂંટણીની જાહેરાતની ઘડીઓ વાગી રહી છે, ત્યારે વલસાડ જિલ્લામાં પણ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે કપરાડા તાલુકાના બાલચોંડી ગામમાં કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાની અધ્યક્ષતામાં કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. જેમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ સહિત વલસાડ-ડાંગ લોકસભા બેઠકના કોંગ્રેસના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મહત્વપૂર્ણ છે કે, અગાઉ વલસાડ-ડાંગનો આ આદિવાસી વિસ્તારને કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભાજપે કોંગ્રેસના ગઢમાં ગાબડા પાડી આ લોકસભા બેઠક કબજે કરી છે, ત્યારે ફરી એક વખત વલસાડ-ડાંગ લોકસભા બેઠક કબજે કરવા કોંગ્રેસ દ્વારા અત્યારથી જ તમામ તાકાત લગાવી દેવામાં આવી છે. કોંગ્રેસના અગ્રણીઓ અને હોદ્દેદારો સંગઠનમાં તાલમેલ જાળવીને આ વખતે પૂરી તાકાતથી ચૂંટણી જંગમાં ઝંપલાવશે તેવો સંકલ્પ કર્યો હતો. વિપક્ષ નેતા અમિત ચાવડાએ કેન્દ્ર સરકાર અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. ભાજપની આગેવાની હેઠળની સરકારમાં ખેડૂતો, મહિલાઓ, યુવાઓની સ્થિતિ દયનીય હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ ભારત જોડો ન્યાય યાત્રા લઈને દક્ષિણ ગુજરાતમાં આવી રહેલા રાહુલ ગાંધીની મુલાકાત સમયે જ કોંગ્રેસના ઉમેદવારોની યાદી જાહેર થશે તેવું પણ જણાવ્યું હતું. ઉપરાંત રાજ્યના પડોશમાં આવેલ સંઘપ્રદેશ દમણ-દીવ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રિયંકા ગાંધી પણ ચૂંટણી લડી શકે છે. આવી વહેતી થયેલી વાતો મુદ્દે પણ વિપક્ષના નેતા અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી.

Next Story