/connect-gujarat/media/post_banners/a860a64b73c81a55e8b3e08f717e137230f49536e32d8289b2e0066b7038e96e.webp)
છેલ્લા ૩ વર્ષમાં ખેડા જિલ્લામાં ફરતા પશુ દવાખાના દ્વારા કુલ 66,058 પશુઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી છે, ત્યારે ફરતું પશુ દવાખાનું પશુ પાલકો માટે સંજીવની જડિબુટ્ટી સાબિત થયું છે.
EMRI ગ્રીન હેલ્થ સર્વિસ અને ગુજરાત પશુ પાલન વિભાગના સંકલન થકી ૩ વર્ષ અગાઉ ખેડા જિલ્લામાં 7 ફરતા પશુ દવાખાના (MVD) કાર્યરત કરવામાં આવ્યા હતા. છેલ્લા ૩ વર્ષમાં ખેડા જિલ્લામાં ફરતા પશુ દવાખાના દ્વારા કુલ 66,058 પશુઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી છે. જેમાં જુદા જુદા સ્થળોએ મુલાકાત કરી 10 ગામમાં 59,347 કેસ અને ઈમરજન્સીના કોલમાં 6,711 કેસમાં કાર્યવાહી કરી સમયસર પશુઓને સારવાર પુરી પાડવામાં આવી હતી. અહીં પશુ સારવાર અંતર્ગત મેડિકલના 22,147 મેડિસિન સપ્લાયના 27,714 તેમજ સરજીકલના 11,803, તો પ્રસુતિના 4,358 અને અન્ય 1,036 કેસ નોંધી પશુઓને સારવાર આપી પશુપાલકોની મદદ કરવામાં આવી છે. ખેડા જિલ્લામાં નડિયાદ તાલુકામાં મોંગરોલી ખાતે, માતર તાલુકાના વિરોજા ખાતે, મહેમદાવાદ તાલુકાના મોદજ ખાતે, ઠાસરા તાલુકાના નેશ ખાતે, કઠલાલના લાડવેલ અને ગળતેશ્વર ટીમ્બાના મુવાડા અને મેનપુરા સહીત કુલ મળીને 07 ફરતા પશુ દવાખાનાની ટીમો કાર્યરત છે.