/connect-gujarat/media/post_banners/bad8a3fa9e4dc7b8d8612c241d86345e3cece56e74876715a9ffceeb27a4ce67.jpg)
ગીર સોમનાથ જિલ્લામાં તાજેતરમાં પડેલા વ્યાપક વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ તો બિસ્માર થયા જ છે. પરંતુ સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે અતિ બિસ્માર બનતા વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. બિસ્માર રસ્તાઓના કારણે એમ્બ્યુલન્સ અને બીમાર વ્યક્તિઓએ પણ ટ્રાફિકમાં કલાકો સુધી ફસાવવાનું જાણે હવે કાયમી બન્યું છે. છાસવારે ટ્રાફીક જામની સમસ્યાથી લોકો પરેશાન થયા છે, ત્યારે આગામી શ્રાવણ માસ આવી રહ્યો હોય જેથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આજ માર્ગનો ઉપયોગ કરતાં હોવાથી તાકીદે માર્ગનું સમારકામ હાથ ધરાય તેવી માંગ ઉઠી છે.
સોમનાથથી ભાવનગર સુધી ફોર લેન સીસી રોડ છેલ્લા 5 વર્ષથી બની રહ્યો છે. આ બાબતે લોકસભામાં સાંસદ રાજેશ ચુડાસમાએ મંત્રી નીતિન ગડકરીને પ્રશ્ન પણ પૂછ્યો હતો, અને આ વાતનો સ્વીકાર પણ કરાયો છે કે, સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવેનું કામ સમય મર્યાદામાં પુર્ણ થયું નથી, ત્યારે ચોમાસાના કારણે આ રસ્તા પર સોમનાથથી ઊના સુધી મસમોટા ખાડા અને રસ્તો જ ગાયબ હોય તેવી હદે માર્ગ બિસ્માર થયો છે. એટલું જ નહીં, આ વિસ્તારમાં ઉદ્યોગ એકમોના કારણે ટ્રાફિક સતત ધમધમતો હોય છે. જેના કારણે વાહનોમાં પણ મોટું નુકશાન થઈ રહ્યું છે. બિસ્માર માર્ગના પગલે અકસ્માતો પણ વધી રહ્યા છે. તમને નવાઈ લાગશે કે, નેશનલ હાઈવે હોવા છતાં આ માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકો પોતાના વાહનને 10 કે, 20 કિલોમીટરની સ્પીડ પર ચલાવવા માટે લાચાર બન્યા છે. જેથી હવે વહીવટી તંત્ર સામે વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.