રાજ્ય સરકાર દ્વારા દાંડી હેરિટેજ પથનું નવસર્જન
દાંડી યાત્રાના અમૂલ્ય વારસાને સાચવવાના પ્રયાસ
મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમથી કરી હતી દાંડીકૂચ
મીઠાના અન્યાયી કાયદા વિરુદ્ધ ગાંધીજીએ કરી હતી દાંડી યાત્રા
સમગ્ર યાત્રાપથને દાંડી હેરિટેજ રૂટ તરીકે વિકસાવવામાં આવ્યો
ઐતિહાસિક દાંડી યાત્રાના અમૂલ્ય વારસાને સાચવવા અને વિશ્વ સમક્ષ ગૌરવભેર પ્રસ્તુત કરવા ગુજરાત સરકારે હેરિટેજ પથનું નવસર્જન કર્યું છે. સાબરમતીથી દાંડી સુધીના 390 કિલોમીટર લાંબા આ હેરિટેજ પથમાં ઈતિહાસના ગૌરવનો આધુનિક સુવિધાઓ સાથે સુભગ સમન્વય કરવામાં આવ્યો છે.
તારીખ 12 માર્ચ, 1930ના રોજ મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમથી મીઠાના અન્યાયી કાયદા વિરુદ્ધ દાંડીકૂચનો પ્રારંભ કર્યો હતો, જે 6 એપ્રિલે દાંડીના દરિયાકિનારે સંપન્ન થયો હતો. આ યાત્રાએ સમગ્ર દેશમાં આઝાદીની ચેતના પ્રજ્વલિત કરી હતી. આ જ ઐતિહાસિક ઘટનાની સ્મૃતિમાં, સરકારે દાંડી ખાતે ભવ્ય 'રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક'નું નિર્માણ કર્યું છે. આ સાથે, સમગ્ર યાત્રાપથને 'દાંડી હેરિટેજ રૂટ' તરીકે વિકસાવવામાં આવ્યો છે, જેથી પ્રવાસીઓ અને ઇતિહાસ પ્રેમીઓએ ગૌરવશાળી સફરને પુનર્જીવંત માણી શકે.
આ પ્રોજેક્ટ અંતર્ગત દાંડી યાત્રાના માર્ગ પર જ્યાં ગાંધીજીએ રાત્રિ રોકાણ કર્યું એ તમામ 22 સ્થળોનો વિકાસ કરવામાં આવ્યો છે. આ સ્થળો પર પ્રવાસીઓની સુવિધા માટે આધુનિક વિશ્રામગૃહ અને માહિતી કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે.
દાંડી પથના નવસર્જનને કારણે હવે દેશ-વિદેશના પ્રવાસીઓ અને સંશોધકો માટે આ માર્ગ એક જીવંત યાત્રાધામ બન્યો છે. આ પ્રોજેક્ટ થકી સરકારે માત્ર એક ઐતિહાસિક માર્ગને ભૌતિક સુવિધાઓથી સજ્જ નથી કર્યો, પરંતુ તેને શિક્ષણ, પ્રેરણા અને રાષ્ટ્રીય ગૌરવના કેન્દ્ર તરીકે પુનઃ સ્થાપિત કર્યો છે.