Connect Gujarat
ગુજરાત

આઝાદ હિન્દ ફોજના વડા નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે 125મી જન્મજયંતિ, રાજ્યભરમાં ઉજવણી કરાય...

ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી નેતા સુભાષચંદ્ર બોઝની આજે 125મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર રાજ્યમાં પુષ્પાંજલિ અને બાઇક રેલી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી નેતા સુભાષચંદ્ર બોઝની આજે 125મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર રાજ્યમાં પુષ્પાંજલિ અને બાઇક રેલી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ ખાતે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરની ઉપસ્થિતિમાં સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને ફુલાહાર કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ સુરતમાં પણ મેયર હેમાલી બોઘાવાલા સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો.

આઝાદ હિન્દ ફોજના વડા નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ નિમિત્તે અમદાવાદ શહેર ખાતે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરની ઉપસ્થિતિમાં સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે નિવેદન આપ્યું હતું કે, અમને અમારા વારસાનું ગૌરવ છે. સુભાષચંદ્ર બોઝ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ હતા. આજે ગુજરાત કોંગ્રેસે તેમની યાદમાં પુષ્પાંજલિ, બાઇક રેલી અને વ્યાખ્યાન માળાનું આયોજન કર્યું છે. વધુમાં પ્રદેશ અધ્યક્ષે જણાવ્યુ હતું કે, ભાજપ પાસે કોઈ રાષ્ટ્રીય નેતા નથી, અને આઝાદીના લડવૈયા પણ નથી. દેશની આઝાદીમાં ભાજપનું કોઈ યોગદાન નહીં હોવાનો પણ કટાક્ષ કર્યો હતો.

તો બીજી તરફ, સુરત ખાતે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના સુભાષ ચોક ખાતે પુષ્પાંજલિ અને વંદના કાર્યક્રમ યોજાયો હતો. સુરતના મેયર હેમાલી બોઘાવાલા, ધારાસભ્ય અરવિંદ રાણા સહિતના આગેવાનોએ સુભાષચંદ્ર બોઝની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી તેઓને યાદ કર્યા હતા.

ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી અને નેતાજીના હુલામણા નામથી જાણીતા સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ નિમિત્તે ભાવનગરના નારી ચોકડીથી નીલમ બાગ સુધી ખાતે કોંગ્રેસ દ્વારા ડીજે સાથે બાઇક રેલી યોજાય હતી. આ રેલીમાં ધારાસભ્ય, નગરસેવક, શહેર પ્રમુખ અને યૂથ કોંગ્રેસ સહિતના આગેવાનો જોડાયા હતા. જોકે, રેલી દરમ્યાન કોંગી આગેવાનો કોરોના ગાઈડલાઇનનું ભાન ભૂલ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. સોશિયલ ડિસ્ટન્સ પણ નહીં જાણવી ટોળાં વળીને તેઓ નારા લગાવતા જોવા મળ્યા હતા.

જુનાગઢ ખાતે પણ કોંગ્રેસ સમિતિ દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેરના વિવિધ વિસ્તારોમાં કોંગ્રેસના કાર્યકરોએ બાઇક રેલી યોજી હતી. આ રેલીમાં ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં કોંગી કાર્યકરોએ હાજરી આપી હતી. શહેરના બસ સ્ટેશન ચોક વિસ્તારમાં સુભાષચંદ્ર બોઝની પ્રતિમા મુકવામાં આવે તેવી તંત્રને રજૂઆત કરવામાં આવશે. જો તંત્ર દ્વારા માંગ પૂરી નહીં કરાય તો કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Next Story
Share it