સરદાર પટેલની 150મી જન્મજયંતિનો પ્રસંગ
કેન્દ્રીય રાજ્યમંત્રીએ SoUની લીધી મુલાકાત
સરદાર સાહેબને મંત્રીએ પુષ્પાંજલિ અર્પણ કરી
ભવ્યાતિભવ્ય પ્રતિમા નિહાળી મંત્રી અભિભૂત
નોંધપોથીમાં મંત્રીએ ભાવસભર પ્રતિભાવો નોંધ્યા
કેન્દ્રીય મંત્રી નિમુ બાંભણીયાએ, એકતા નગરની મુલાકાત વેળાએ સૌ પ્રથમ સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. પ્રથમ નજરે સરદાર સાહેબની ભવ્યાતિભવ્ય પ્રતિમા નિહાળી તેઓ અભિભૂત થયા હતા. તેમણે, સરદાર સાહેબના ચરણોમાં પુષ્પાર્પણ કરીને ભાવવંદના કરી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આવેલ પ્રદર્શન ગેલેરીની મુલાકાત લઈને સરદાર સાહેબના જીવન કવન, સ્વતંત્રતા ચળવળ અને દેશી રજવાડાઓના એકીકરણ અંગેના દસ્તાવેજો તથા તસવીરી ઝલકો નિહાળી અને વ્યૂઇંગ ગેલેરી ખાતેથી વિધ્યાંચલ અને સાતપુડાની ગિરીમાળાઓ, આસપાસનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું.
મંત્રીએ ખાસ કરીને હાલમાં જ પ્રદર્શન કક્ષ ખાતે નિર્માણ કરાયેલા નવા વિભાગની મુલાકાત કરી હતી, આ વિભાગમાં સરદાર પટેલ પર આઝાદીની ચળવળ અને ભારતના એકીકરણ સમયે ભાવનગર અને વડોદરા શહેરમાં થયેલ હુમલાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. મુલાકાતના અંતે મંત્રીએ નોંધપોથીમાં પોતાના ભાવસભર પ્રતિભાવો નોંધ્યા હતા.
આ મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના અધિક કલેકટર ગોપાલ બામણીયા, દર્શક વિઠલાણી, નાયબ કલેકટર,નાયબ પ્રોટોકોલ કલેક્ટર એન.એફ.વસાવા અને જિલ્લા પુરવઠા અધિકારી વી.બી.દરજી ઉપસ્થિત રહ્યા હતા.