-
વાગડમાં પ્રાંથળીયા આહીર સમાજમાં અનોખી પરંપરા
-
મહાભારત યુગથી ચાલી આવતી અંધારી તેરસની પરંપરા
-
એક જ દિવસે મોટાપાયે લગ્નો યોજવાની વર્ષો જૂની પરંપરા
-
કચ્છ-વાગડના 1160 નવયુગલો લગ્નના બંધનમાં જોડાયા
-
વેરાવળના આજેઠા ગામમાં પણ રજવાડી ઠાઠ સાથેના વિવાહ
અંધારી તેરસના દિવસે કચ્છના પ્રંથળિયા આહિર સમાજમાં પરંપરાગત રીતે લગ્ન યોજવાની અનોખી પરંપરા છે. જે મુજબ આ વર્ષે વાગડના 1160 જેટલા નવયુગલો લગ્નના પવિત્ર બંધનમાં જોડાયા હતા. તો બીજી તરફ, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના આજેઠા ગામમાં આહીર સોલંકી પરિવારના વિવાહપ્રસંગે અનોખું ફુલેકું યોજાયું હતું. જેમાં હાથીની અંબાળી પર બેસી વરરાજાનો રજવાડી ઠાઠ લોકો જોતાં રહી ગયા હતા.
આજરોજ વૈશાખ વદ તેરસ એટલે અંધારી તેરસ. આ દિવસ કચ્છ જિલ્લાના વાગડ વિસ્તારમાં વસવાટ કરી પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલા તમામ સમાજના લોકો સાથે ભાઈચારો ધરાવતા આહિર સમાજ માટે મહત્વનો દિવસ છે. પ્રાંથળીયા આહિર સમાજમાં અંધારી તેરસના દિવસે લગ્ન યોજવાની અનોખી પરંપરા છે, અને આ પરંપરાને જાળવી રાખી આ વર્ષે પણ વાગડ વિસ્તારમાં પ્રાંથળિયા આહિર સમાજના 1160 નવયુગલો લગ્નના પવિત્ર બંધનમાં જોડાયા હતા.
રીતિ મુજબ વર્ષમાં ફક્ત એક જ દિવસ-અંધારી તેરસે જ લગ્નના મુહૂર્ત માન્ય રહે છે. આ વર્ષે તા. ૨૫ મે ૨૦૨૫ ના રવિવારના રોજ આહીર સમાજના ગામોમાં 1160 યુગલો લગ્નના પવિત્ર બંધનમાં જોડાયા હતા. આ દિવસે સમગ્ર કચ્છ વાગડના આહીર સમાજમાં ખુશીની લહેર જોવા મળે છે. દરેક ગામમાં ભાતીગળ પહેરવેશમાં લોકો આ પ્રસંગને ઉજવે છે. ઢોલ-નગારા વાગે છે, હરખભેર સમૂહ ભોજન યોજાય છે, અને અન્નનો બગાડ ન થાય તે બાબત પણ ખાસ ધ્યાનમાં લેવાય છે. આ પ્રસંગે કચ્છ આહીર સમાજના પ્રમુખ તથા દરેક ગામના આગેવાનોએ લગ્નબંધનમાં જોડાયેલ તમામ નવયુગલોને શુભકામનાઓ પાઠવી હતી.
તો બીજી તરફ, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાનું આજેઠા ગામ પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. જેમાં આહીર સોલંકી પરિવારમાં રજવાડી ઠાઠ સાથેનો વિવાહ પ્રસંગ યોજાયો હતો. આજેઠા ગામમાં પ્રથમવાર હાથીની અંબાળી પર બેસી વરરાજાનું ફૂલેકુ યોજાયું હતું. આહીર યુવા અગ્રણી નથુભાઈ સોલંકીને ત્યાં વિવાહ પ્રસંગમાં વરરાજા મયુર સોલંકીના ફુલેકામાં આકર્ષક અશ્વો પર પરિવારના મોભી પણ જોડાયા હતા.
લગ્નગીતની રમઝટ સાથે ફૂલેકુ ફરતા આજેઠા તેમજ આજુબાજુના ગામના લોકો પણ ફૂલેકુ જોવા ઉમટી પડ્યા હતા. સ્થાનિકોની સાથે મોટી સંખ્યામાં મહેમાનોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. લોકોએ ગજરાજ અને અશ્વો સાથેના રજવાડી ઠાઠમાઠવાળા ફુલેકાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા.