Connect Gujarat
ગુજરાત

અષાઢમાં મેહુલો અનરાધાર... : રાજ્યના 200 તાલુકામાં સાર્વત્રિક વરસાદ, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી

મોન્સૂન ટ્રફ અને સર્ક્યુલર સિસ્ટમ એમ 2 સિસ્ટમ એકસાથે સક્રિય થવાથી ગુજરાતભરમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે.

X

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 200 તાલુકામાં 1થી 16 ઈંચ જેટલો સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, ત્યારે આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

મોન્સૂન ટ્રફ અને સર્ક્યુલર સિસ્ટમ એમ 2 સિસ્ટમ એકસાથે સક્રિય થવાથી ગુજરાતભરમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 48 કલાકમાં રાજ્યના 200 તાલુકામાં 1થી 16 ઈંચ સુધીનો સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, ત્યારે હજુ પણ આગામી દિવસોમાં આ મેઘમહેર યથાવત રહે એવી શક્યતા વર્તાય રહી છે. તેવામાં જૂનાગઢના વિસાવદરમાં બારે મેઘ ખાંગા થયા હોય એમ 16 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે રસ્તાઓ અને ખેતરો પાણી પાણી થઈ ગયા છે. તો બીજી તરફ, સમગ્ર જૂનાગઢ જિલ્લામાં આજે પણ સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે.

તો બીજી તરફ, ગીર-ગઢડાના જંગલ વિસ્તારમાં આવેલ ઉના તથા દીવ જીલ્લાને પીયતનું પાણી પૂરું પાડતા રાવલ ડેમમાં વરસાદના કારણે પાણીની આવક થતા 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. આ સાથે જ નીચાણવાળા ગામ 18 ગામોને વહીવટી તંત્ર દ્વારા અલર્ટ કરાયા છે. નદીના પટમાં ન જવા લોકોને સૂચના આપવામાં આવી છે. આ તરફ, ગીરના જંગલ નજીક આવેલ નગડીયા ગામની શાહિ નદીમાં ધોડાપુર આવતા નગડિયા ગામ સંપર્ક વિહોણું થયું હતું. ધોકડવા તુલસીશ્યામ સહિત ગીરમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરતાં કોઝ-વે પાણીમાં ગરકાવ થયો હતો.

અમરેલી જિલ્લામાં પણ મેઘમહેર યથાવત જોવા મળી હતી. આ સાથે જ સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘ મહેર થતાં દોલતી, મેરિયાના, રામગઢ, બાઢડા, જાબાળ, ધજડી અને મીતીયાળા સહિતના ગામડાઓમાં ઘોડાપૂર આવ્યું હતું. સાવરકુંડલાના અભરામ પરાની ભગડી નદીમાં પૂર આવતા સ્થાનિકો પૂરના પ્રવાહને જોવા ઉમટ્યા હતા. વડીયા પંથકમાં ગત રાત્રે 4 ઇંચ વરસાદ ખાબકતા વડિયાનો સુરવો ડેમ ચિક્કાર ભરાઈ ગયો હતો. વડીયામાં વરસાદથી મોડી રાત્રે ડેમના 5 દરવાજા 3 ફૂટ ખોલી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ 1 દરવાજો અડધો ફૂટ ખોલી રાખતા પાણી ખળખળ વહી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં અગાઉ એલર્ટ કરી દેવામાં આવ્યા હતા, ત્યારે ચોમાસાના પ્રારંભે જ વડીયાનો સુરવો ડેમ ભરાઈ ગયો છે.

તો આ તરફ, સમગ્ર રાજ્ય સહિત દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદે ધબદબાટી બોલાવી છે. નવસારી જિલ્લામાં ભારે વરસાદના પગલે કાવેરી નદીમાં જળસ્તર વધ્યા છે. કાવેરી નદીનું જળસ્તર 14 ફૂટ ઉપર પહોંચતા બીલીમોરાના કિનારા વિસ્તારોમાં પાણી ભરાયા છે. બીલીમોરાના દેસારા સામેના વિસ્તારમાં પાણી ભરવાના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આ સાથે જ નેશનલ હાઇવે નંબર 48 પર વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહારને માઠી અસર પહોચી છે.

Next Story