/connect-gujarat/media/post_banners/aafce1d9dc540625d5aad5f158598388802ff1400d04cac4644164df137afd3d.jpg)
ગણપતિ બાપા મોરયા...પૂઢચ્યા વર્ષી લવકરીયાના ગગનભેદી જયઘોષ વચ્ચે વડોદરામાં પાંચ દિવસનું આતિથ્ય માણવા માટે આવેલા શ્રીજીએ અને પરિવારજનો અને નાના-મોટા યુવક મંડળો વચ્ચેથી ભાવભરી વિદાય લીધી હતી.
ગણેશ ચતુર્થીથી વડોદરાના શહેરીજનોના પરોણા માણવા પધારેલા રિધ્ધી સિધ્ધીના સ્વામી ગણપતિ બાપાની અનેક પરિવારો તેમજ અનેક નાના-મોટા યુવક મંડળો દ્વારા પાંચ દિવસ માટે સ્થાપના કરવામાં આવી હતી. આજે ગણેશોત્સવના પાંચમાં દિવસે વિઘ્નહર્તા દુંદાળા દેવને વિદાય આપવામાં આવી હતી. અનેક પરિવારજનો તેમજ નાના-મોટા યુવક મંડળો દ્વારા પોતાના ઘર આંગણે તેમજ સોસાયટી અને પોળોમાં વિસર્જન કર્યું હતું. તો કેટલાંક લોકો દ્વારા વહીવટી તંત્ર દ્વારા ગણેશ વિસર્જન માટે બનાવવામાં આવેલા નવલખી મેદાન, અકોટા સહિતના કુત્રિમ તળાવોમાં વિસર્જન કર્યું હતું.
સવારથી શહેરના વિવિધ વિસ્તારોમાંથી ગણપતિ બાપા મોરયા...પૂઢચ્યા વર્ષી લવકરીયાના ગગનભેદી જયઘોષ સાથે શ્રીની નાની-મોટી ભવ્ય વિદાય સવારીઓ નીકળી હતી. કેટલાંક પરિવારજનો શ્રીજીને મોટર સાઇકલો ઉપર તો કેટલાક શણગારેલી કાર, જીપ તો કેટલાંક લોકો બળદ ગાડામાં વાજતે-ગાજતે શ્રીજીને વિદાય આપવા માટે નીકળ્યા હતા. કુત્રિમ તળાવો ખાતે શ્રીજીનું વિસર્જન કરવા માટે આવેલા પરિવારજનો શ્રીજીને વિદાય આપતી વખતે ભાવવિભોર બની ગયા હતા. તો કેટલાંક બાપા ઉપર અપાર શ્રધ્ધા રાખનાર પરિવારના સભ્યો બાપાની વિદાય સમયે પોતાના આંસુ રોકી શક્યા ન હતા.