વડોદરા શહેરના ભરચક ન્યાયમંદિર વિસ્તારમાં સ્કૂટર ભડ ભડ સળગી ઉઠતા નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થળ પર દોડી ગયેલા ફાયર લાશ્કરોએ પાણીનો મારો ચલાવી સ્કૂટરમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં પહોચતા લોકોએ રાહત અનુભવી હતી. પરંતુ મોપેડ સ્કૂટર ભડથું થઇ જતાં નુકશાન પહોંચ્યું હતું.
મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા ખાતે રહેતા કનુ પરમાર પત્ની સાથે ન્યાયમંદિર વિસ્તારમાં શોપિંગ કરવા માટે પહોંચ્યા હતા, જ્યાં તેમણે પોતાનું સ્કૂટર મુખ્ય માર્ગની સાઇડ ઉપર પાર્ક કર્યું હતું. આ દરમિયાન અચાનક સ્કૂટર સળગી ઉઠતા વિસ્તારમાં નાસભાગ મચી હતી. બનાવની જાણ થતાં સ્થળ પર દોડી ગયેલા ફાયર લાશ્કરોએ પાણીનો મારો ચલાવી મોપેડ સ્કૂટરમાં લાગેલી આગ ઓલવી હતી. જોકે, સ્કૂટર સંપૂર્ણ સળગીને ખાક થઈ જતા સ્કૂટર માલીકને નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો. સ્કૂટર માલિક કનુભાઇએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં ધાર્મિક કાર્યક્રમનો વરઘોડો નીકળ્યો હતો, જે દરમિયાન ફટાકડાં ફૂટતા સ્કૂટર સળગી ઉઠ્યું હોવાનું અનુમાન છે.