-
વાપીનો મહાનગરપાલિકામાં સમાવેશ કરાતા વિરોધ
-
11 જેટલા ગામના ગ્રામજનોએ ઉઠાવ્યો વિરોધનો સુર
-
વિરોધ કરી રહેલા ગ્રામજનો દ્વારા વિશાળ રેલી યોજાય
-
વાંસદા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની ઉપસ્થિતી
-
આગામી દિવસોમાં યોજાશે ઉગ્ર આંદોલન : અનંત પટેલ
વલસાડ જિલ્લાન વાપીનો મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવતા 11 ગામોમાં વિરોધનો સુર ઉઠ્યો છે, ત્યારે વાંસદા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની ઉપસ્થિતીમાં નામધા ગામે વિશાળ રેલી યોજાય હતી.
વલસાડ જિલ્લાની વાપી નગરપાલિકા મહાનગરપાલિકા બન્યા બાદ તેનું વિધિવત રીતે અમલીકરણ શરૂ થઈ ગયું છે, જ્યાં વાપી મહાનગરપાલિકા દ્વારા વિકાસ કામોનો ધમધમાટ પણ શરૂ થઈ રહ્યો છે. તો બીજી તરફ, વાપી મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવેલા 11 ગામોમાં વિરોધનો સુર ઉઠી રહ્યો છે, ત્યારે વિરોધ કરી રહેલા 11 ગામના લોકોની કોંગ્રેસે આગેવાની લઈ આ મુદ્દે આંદોલન શરૂ કર્યું છે.
વાપીના છેવાડે આવેલા નામધામાં કોંગ્રેસ પ્રેરિત વિરોધ રેલી યોજાઇ હતી. જેમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલની સાથે વાંસદા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ સહિત કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
કોંગ્રેસ અગ્રણીઓ અને વિરોધ કરી રહેલા સ્થાનિકોએ મહાનગરપાલિકામાં પોતાના ગામનો સમાવેશ થવાથી ગામનો વિકાસ વધુ રૂંધાશે, લોકોને રોજિંદા પ્રશ્નોની રજૂઆત માટે મુશ્કેલી ઉભી થશે તેમજ ટેક્સનું ભારણ પણ વધશે સહિતના મુદ્દાઓ આગળ કર્યા હતા, ત્યારે આગામી દિવસોમાં ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં 11 ગામના ગ્રામજનો સાથે કોંગ્રેસના આગ્રણીઓ પણ આ વિરોધ રેલીમાં જોડાય પારડી પ્રાંત કચેરીએ રજૂઆત પણ કરશે. આમ મહાનગરપાલિકાના અમલીકરણ બાદ હવે કોંગ્રેસે આ મુદ્દે લોકોનો સહકાર લઈ વિરોધ આંદોલન શરૂ કરતાં રાજકારણ પણ ગરમાયું છે.