વલસાડ જિલ્લા ગ્રામ્ય પોલીસને મળી મોટી સફળતા
મધ્યપ્રદેશ-ઇન્દોરના 2 યુવાનોની કરાય છે ધરપકડ
યુવાનો પાસેથી પિસ્તોલ અને 4 જીવતા કારતૂસ મળ્યા
ઘાતક હથિયારો વટ પાડવા ખરીદ્યા હોવાનો ખુલાસો
બન્ને યુવાનોની ધરપકડ સાથે પોલીસની કડક કાર્યવાહી
આજના યુવાનોમાં વટ પાડવો એક ફેશન બની ગઈ છે, ત્યારે આવો જ કિસ્સો વલસાડ જિલ્લામાંથી સામે આવ્યો છે. વલસાડ ગ્રામ્ય પોલીસે મધ્યપ્રદેશના ઇન્દોરના 2 યુવાનોની ઘાતક હથિયારો સાથે ધરપકડ કરી છે. જોકે, આ ઘાતક હથિયારો માત્ર વટ પાડવા માટે ખરીદ્યા હોવાનો ખુલાસો થયો છે.
વલસાડ ગ્રામ્ય પોલીસ જાપ્તામાં ઉભેલા આ બન્ને યુવાનો પર ગંભીર ગુનો લાગેલો છે. પ્રથમ નજરે માસુમ લાગતા આ યુવાનો પાસેથી ઘાતક હથિયાર મળી આવ્યા છે. ઘટનાની વિગતે વાત કરીએ તો, વલસાડ ગ્રામ્ય પોલીસને બાતમી મળી હતી કે, નેશનલ હાઇવે પરની એક હોટલમાં 2 યુવાનો પાસે ઘાતક પિસ્તોલ જેવા હથિયાર જોવા મળ્યા છે, ત્યારે વલસાડ ગ્રામ્ય પોલીસ કાફલો હોટલ પર પહોંચી ગયો હતો, અને બન્ને ઈસમોને તપાસ કરતા એક દેશી બનાવટી પિસ્તોલ અને 4 જીવતા કારતૂસમળી આવ્યા હતા.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ બન્ને આરોપી ઇન્દોરથી દમણ ફરવા આવ્યા હતા. દમણમાં મોજશોખકર્યા બાદ આરોપીની એક ગર્લફ્રેન્ડ પણ વલસાડ આવી હતી. આ ગર્લફ્રેન્ડને મળવા આરોપી વલસાડની હોટલમાં મળવા આવ્યા હતા. આ બન્ને પાસેથી મળેલા ઘાતક હથિયારોનો ઉપયોગ તેઓ ક્યાં કરવાના હતા, તે મામલે પોલીસે તપાસ શરૂ કરી છે, ત્યારે હાલ તો વલસાડ ગ્રામ્ય પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ નિતેશ અંબારામ કટારીયા અને ગૌરીશંકર ડોંગરેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.