વલસાડ : તબીબનું અપહરણ કરી એક કરોડ રૂા.ની મંગાઇ હતી ખંડણી, ચાર આરોપી ઝબ્બે

એક વર્ષ પહેલાં ડૉ. જનક વૈરાગીનું થયું હતું અપહરણ, તબીબ પાસે ખુબ પૈસા હોવાની જાણ થતાં કરાયું અપહરણ.

New Update
વલસાડ : તબીબનું અપહરણ કરી એક કરોડ રૂા.ની મંગાઇ હતી ખંડણી, ચાર આરોપી ઝબ્બે

વલસાડ જિલ્લાના હરિયા ગામના ડૉ. જનક વૈરાગીના એક વર્ષ પહેલાં થયેલા અપહરણના ગુનાનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે. એલસીબીએ ચોકકસ બાતમીના આધારે વોચ ગોઠવી ચાર આરોપીની અપહરણ તથા એક કરોડ રૂપિયાની ખંડણી માંગવાના ગુનામાં ધરપકડ કરી છે.

વલસાડ જિલ્લાના હરિયા ગામે રહેતા ડૉ. જનક વૈરાગી એક વર્ષ પહેલાં તેમના ઘરે આવી રહયાં હતાં તે સમયે મારૂતિ ફ્રન્ટી કારમાં આવેલાં ત્રણ યુવાનોએ તેમનું અપહરણ કર્યું હતું. અપહરણકારોએ તબીબની પત્નીને ફોન કરી એક કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. તારીખ 23મી સપ્ટેમ્બર 2020ના રોજ તબીબનું અપહરણ કરી તેમને સુખેશ ગામમાં બંધક બનાવી દેવામાં આવ્યાં હતાં. તબીબ ભાગી ન જાય તે માટે તેમના કપડા પણ ફાડી નાંખવામાં આવ્યાં હતાં. તબીબના અપહરણ અંગેના સમાચારો પ્રસિધ્ધ થયા બાદ અપહરણકારો ગભરાય ગયાં હતાં અને તબીબને ઓઝર ગામ પાસે જંગલમાં અર્ધનગ્ન હાલતમાં છોડી નાસી છુટયાં હતાં.

વલસાડ એલસીબીની ટીમને આ અપહરણના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ ચણવઇ વાડી ફળીયા નજીક ભેગા થવાના હોવાની બાતમી મળી હતી. પીએસઆઇ પનારા તથા તેમની ટીમે આ વિસ્તારમાં વોચ ગોઠવી દીધી હતી. પોલસે ચિંચવાડાના દીપેશ પટેલ, ચણવઇવાડી ફળીયામાં રહેતાં રોહન પટેલ સહિત કલ્પેશ ઉર્ફે ભીમો પટેલ અને લલિત ઉર્ફે સોમુ હસમુખ પટેલને દબોચી લીધાં છે. આરોપીઓને ડૉ. જનક વૈરાગી પાસે કબાટ ભરીને પૈસા હોવાની માહિતી મળી હતી. જેથી તેમણે ક્રાઇમ પેટ્રોલ સહિતની સિરિયલો જોઇ અપહરણનો પ્લાન બનાવ્યો હતો. આરોપીઓ છેલ્લા એક વર્ષથી નાસતા ફરતાં હતાં પણ આખરે પોલીસના સકંજામાં આવી ગયાં છે.

Latest Stories