Connect Gujarat
ગુજરાત

વલસાડ : પોસ્ટ ઓફિસમાં વારંવાર ખોટકાતું સર્વર ગ્રાહકો માટે બન્યું માથાના દુઃખાવા સમાન...

ઓફિસમાં સર્વર અને અન્ય પ્રશ્નોને લઈને સિનિયર સીટીઝન સહિતના ગ્રાહકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

X

વલસાડ શહેરની સબ પોસ્ટ ઓફિસમાં સર્વર અને અન્ય પ્રશ્નોને લઈને સિનિયર સીટીઝન સહિતના ગ્રાહકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. વલસાડ શહેરના મોટાબજાર સ્થિત વલસાડ પોસ્ટ વિભાગ સંચાલિત ઇન્ડિયા પેમેન્ટસ બેંકમાં છેલ્લા ઘણા સમયથી આવતા ખાતેદારોને પૈસા ઉપાડવામાં પરસેવો પડી રહ્યો છે. કારણ કે, અહીં સર્વર નહીં ચાલતું હોવાથી મહદઅંશે કોઈપણ ખાતેદાર પૈસા ઉપાડી શકતું નથી. સાથે જ ઘણા સિનિયર સિટીઝનો અહીં પૈસા ઉપડવા સવારથી લાઈનો લગાવે છે.

પરંતુ સર્વર ન ચાલતું હોવાનું કારણ આગળ ધરી કર્મચારીઓ નાસીપાસ કરે છે, ત્યારે ઘણા સિનિયર સિટીઝનો પૈસા ઉપાડવા માટે અહીં સવારથી બેઠા હતા, જેઓએ જણાવ્યું હતું કે, અહીંયા દરરોજ તેઓ વહેલી સવારથી જ આવી જાય છે અને પોતાના જ પૈસા ઉપાડવા માટે તેઓ રાહ જુએ છે, ત્યારબાદ આખરે વિલા મોઢે પરત ફરે છે. અને ફરી બીજા દિવસે આવે છે. પોસ્ટ એજન્ટોની પણ ગ્રાહકો જેવી જ માંગ છે કે, જે પૈસા ઉપાડી નથી શકતા. પોસ્ટ વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની સુવિધા આપવામાં નથી આવતી. જેને લઇને સિનિયર સિટીઝનોની હાલત કફોડી બની છે. માત્ર પેન્શન કે, પોસ્ટના પૈસા ઉપર નિર્ભર સિનિયર સિટીઝનોને પૈસા ન મળતા તેઓની મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે.

વલસાડના મોટા બજાર સ્થિત પોસ્ટ વિભાગ સંચાલિત ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકનું સર્વર તો બંધ જ રહેતું હોય છે. પરંતુ કર્મચારીઓનો સ્વભાવ પણ ગ્રાહકો સાથે યોગ્ય નથી હોતો. એજન્ટો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેમની સાથે પણ તેઓ યોગ્ય વ્યવહાર કરતા નથી, અને જે કામ હેડ ઓફિસમાં માત્ર 2 મિનિટમાં થઈ જાય છે. જે અહીંયા ક્યારેય પણ થતું નથી. જેના કારણે એજન્ટોની હાલત પણ કફોડી બની છે. સમગ્ર મામલાને લઈને પોસ્ટના કર્મચારીઓએ કોઈપણ જવાબ આપવાનું ટાળ્યું હતું. ત્યારબાદ ઇન્ટરનેટ નહીં ચાલતું હોવાનું કારણ આગળ ધરી દીધું હતું. હાલ તો અહીં સરવર બંધ હોવાના કારણે સિનિયર સિટીઝન સહિત પોસ્ટના ગ્રાહકો હાલાકી વેઠી રહ્યા છે, ત્યારે આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ આવે તેવી માંગ ઉઠી છે.

Next Story