-
સાયન્સ કોલેજ પાછળની સોસાયટીની ઘટના
-
સોસાયટીના પ્લોટમાંથી માનવ કંકાલ મળ્યું
-
કંકાલને સુરત ફોરેન્સિક પીએમ અર્થે ખસેડાયું
-
14થી 20 વર્ષીય યુવતીનું હાડપિંજર : રિપોર્ટ
-
વાલી-વારસોની પોલીસે શોધખોળ હાથ ધરી
વલસાડ શહેરની સાયન્સ કોલેજ પાછળની એક સોસાયટીના પ્લોટમાંથી માનવકંકાલ મળ્યું હતું. જેમાં સુરતની હોસ્પિટલમાં ફોરેન્સિક પીએમ રિપોર્ટ આવતા માનવકંકાલ કોઈ યુવતીનો હોવાનું સામે આવ્યું છે.
વલસાડ પોલીસ માટે ઉદવાડાના મોતીવાડામાં કોલેજિયન ગર્લના રેપ વિથ મર્ડરનો કેસ સોલ્વ થયો, ત્યાં બીજો પડકાર આવીને ઊભો રહ્યો છે. વલસાડની સાયન્સ કોલેજ પાછળ આવેલી સહજાનંદ સોસાયટીના સામે ખુલ્લા ઝાડી-ઝાંખરાવાળા પ્લોટ છે. અહીં કેટલાક છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા હતા, ત્યારે એક માનવ કંકાલ મળી આવ્યું હતું. જેમાં માનવ શરીરના અંગો જેવાં કે, માનવ ખોપડી, પાંસળીના ભાગો, પગના હાડકાના ભાગો, હાથના હાડકાંના ભાગો, કરોડરજ્જુના ભાગો મળી આવ્યા હતા.
આ માનવ કંકાલના અંગો સંપૂર્ણપણે હાડકાના સ્વરૂપમાં હતા. જેથી આ બોડી કોની છે, તે ઓળખી શકાયું નથી. ઘટના સ્થળેથી એક મરૂન કલરનો 2 બટનવાળો મેલો લેડીઝ કુર્તો મળી આવ્યો હતો. આ માનવ હાડપિંજરનું સુરતના ફોરેન્સિક વિભાગે પોસ્ટમોર્ટમ કરતાં ડોક્ટરે જણાવ્યું કે, આ માનવ કંકાલ આશરે 14થી 20 વર્ષીય યુવતીનું છે. તેમજ તેનું અંદાજે 3 માસ પહેલાં મૃત્યુ થયું હતું. 3 મહિના પહેલાં ગુમ હોય અને મરૂન કલરના કુર્તાવાળી આશરે 14થી 20 વર્ષની કોઈ યુવતી ગુમ થઈ હોય, તો તે અંગે તેમજ તેના વાલી-વારસો વિશે કોઈ માહિતી મળે તો નજીકના પોલીસ મથકે અથવા તો વલસાડ સિટી પોલીસ મથકનો સંપર્ક કરવા પોલીસે જણાવ્યું છે.