વલસાડ જિલ્લાના પારડી તાલુકાના રોહીણા ગામમાં નહેર વિભાગની જમીન પર ગેરકાયદેસર રીતે બાંધેલી દુકાનોને દૂર કરવા તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વલસાડના પારડી તાલુકાના રોહીણા ગામ નજીકથી પસાર થતી નહેર માટે સંપાદિત કરવામાં આવેલી જમીન પર છેલ્લા 20-30 વર્ષથી સ્થાનિકોએ ગેરકાયદેસર રીતે કોઈપણ જાતની પરવાનગી વિના દુકાનો બાંધી હતી. જોકે, અત્યાર સુધી 70થી વધુ દુકાનો આ નહેર વિભાગની જમીન પર બંધાયેલી હતી. સરકારી જમીન પર થયેલા દબાણને દૂર કરવા માટે સંબંધિત વિભાગ દ્વારા દબાણકર્તાઓને અગાઉ અનેક વખત નોટિસો ફટકારી સ્વેચ્છાએ દબાણ દૂર કરી લેવા સૂચન કરવામાં આવ્યું હતું. જોકે, સ્થાનિકોએ સ્વેચ્છાએ દબાણ દૂર નહીં કરતા આખરે નહેર વિભાગ અને દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન અસરગ્રસ્ત લોકો અને ડિમોલિશન કરવા આવેલી ટીમ સાથે વચ્ચે બબાલ થઈ હતી. ડિમોલિશનનો વિરોધ કરી રહેલા લોકોએ ઉગ્ર બોલાચાલી કરતા માહોલ ગરમાયો હતો. આથી મામલતદાર અને પ્રાંત અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓની ટીમ સ્થળ પર પહોંચી હતી. સમગ્ર મામલો ગરમાતા પોલીસ દ્વારા સમજાવટથી મામલો થાળે પાડવાના પ્રયાસો કરાયા હતા. વિવાદ વધુ વકરતા પોલીસે 15થી વધુ લોકોની અટકાયત કરી હતી.