વલસાડના ઢીમસા ગામ પાસે આવેલી ફાટક કાયમી ધોરણે બંધ કરી દેવાની હિલચાલ સામે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. ફાટક બંધ ન કરાય તેવી માંગ સાથે લોકો પાટા પર બેસી જતાં અધિકારીઓમાં દોડધામ મચી હતી.
વલસાડના ઉમરગામ નજીક ઢીમસા અને કાકરીયા ગામ પાસેથી પસાર થતાં રેલ્વે ટ્રેક ઉપર ફાટક આવેલી છે. તાજેતરમાં રેલ્વે વિભાગ ટ્રેનોની ઝડપ વધારવા માટે રેલ્વે ટ્રેકની આસપાસ દિવાલોનું ચણતર સહિતની કાર્યવાહી કરી રહયું છે. વલસાડના ઢીમસા ગામ પાસે આવેલાં ફાટકને કાયમી ધોરણે બંધ કરી દેવા રેલ્વે વિભાગે હીલચાલ શરૂ કરી છે. આ બાબતની જાણ સ્થાનિકોને થતાં તેમણે વિરોધ નોંધાવ્યો છે. ફાટક બંધ થઇ જાય તો 3 હજાર કરતાં વધારે લોકોને ફેરાવો થાય તેમ છે. રેલ્વે ફાટક બંધ કરતાં પહેલાં અંડરપાસ બનાવી આપવામાં આવે તેવી માંગ સાથે સ્થાનિકો એકત્ર થયાં હતાં. તેમણે પાટા પર બેસી જઇ વિરોધ પ્રદર્શન શરૂ કરી દેતાં અધિકારીઓમાં દોડધામ મચી હતી.