/connect-gujarat/media/post_banners/2d0a282768c7b3564b849f47646389a82f526277d7784dc368c0c2ba508f836f.jpg)
વલસાડ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં ભારે વાહને કારને ટક્કર મારતાં કારની અડફેટે આવેલ મોપેડ સવાર દંપતી નદીના પુલ પરથી નીચે પટકાયું હતું. જોકે, 50 ફૂટ ઉપરથી નીચે પટકાયા છતાં પણ બન્નેનો ચમત્કારિક બચાવ થયો હતો.
મળતી માહિતી અનુસાર, વલસાડ નજીક વાંકી નદીના પુલ પર મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહેલી એક કારને હાઇવે પરથી પૂર ઝડપે પસાર થતાં એક અજાણ્યા ભારે વાહને ટકકર મારી હતી. ભારે વાહનની ટક્કર બાદ કાર બાજુમાંથી પસાર થઈ રહેલા મોપેડને અડફેટે લઈ હાઇવે પર જ પલટી મારી ગઈ હતી. કારની ટક્કરથી મોપેડ સવાર પતિ-પત્ની વાંકી નદીના પુલ પરથી 50 ફૂટ નીચે પટકાયા હતા. દ્રશ્ય જોતા જ હાઇવે પરથી પસાર થતાં વાહનચાલકો થોભ્યા હતા, અને તાત્કાલિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. બનાવની જાણતા જ 108ની ટીમ સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્ત દંપત્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, આટલે ઉપરથી પટકાયા છતાં પણ મોપેડ સવાર પતિ-પત્નીનો જીવ બચી ગયો હતો, અને બંન્નેને સામાન્ય ઈજા સાથે ચમત્કારિક બચાવ થયો હતો. અકસ્માત બાદ થોડા સમય સુધી હાઇવે પરના વાહન વ્યવહારને અસર થઈ હતી. પરંતુ થોડી જ વારમાં પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડમાં કરી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.