-
વલસાડ જિલ્લા પોલીસની કાર્યવાહી
-
વાપીમાં પોલીસે કર્યું સર્ચ ઓપરેશન
-
સંદિગ્ધ બાંગ્લાદેશીઓને શોધવાની કાર્યવાહી
-
અંદાજીત 400 શકમંદો અટકાયત
-
પોલીસ કાર્યવાહીના પગલે ફફડાટ
વલસાડ જિલ્લા પોલીસે વિશાળ કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન 400 શંકાસ્પદ વ્યક્તિઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.વાપી ઔદ્યોગિક વસાહત,રેલવે સ્ટેશન, અંબામાતા મંદિર વિસ્તાર સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેના કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.પોલીસે વાપી ઔદ્યોગિક વસાહત,રેલવે સ્ટેશન,અંબામાતા મંદિર, હોટલ, ગેસ્ટ હાઉસ સહિત ચાલી વિસ્તારમાં મેગા સર્ચ કરવામાં આવ્યું હતું.
પોલીસે નાઈટ કોમ્બિંગ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓની પ્રાથમિક પૂછપરછમાં તેમના રહેઠાણ, નોકરી અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરી હતી.વિઝા વગર રહેતા વિદેશી નાગરિકોને ઓળખી કાઢવા માટે આ કવાયત હાથ ધરવામાં આવી હતી. વલસાડ SP ડો.કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ LCB અને SOG સહિતની પોલીસ ટીમે વલસાડ, વાપી, પારડી, ઉમરગામ, ધરમપુર અને કપરાડા તાલુકામાં આ ઓપરેશન હાથ ધર્યું હતું.
પોલીસે ઔદ્યોગિક એકમો, ભંગારના ગોડાઉન સંચાલકો અને ચાલી માલિકોને શંકાસ્પદ વિદેશી નાગરિકોની માહિતી આપવા જણાવ્યું છે.આ ઉપરાંત સંદિગ્ધ બાંગ્લાદેશીઓને શોધવાની કામગીરી દરમિયાન અંદાજિત 400 જેટલા શકમંદોની પણ પોલીસે અટકાયત કરી હતી. પોલીસની કાર્યવાહીના પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.