વલસાડના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે મંત્રી
પાણી ન ભરાય તે માટે અધિકારીઓને આપ્યા સૂચનો
ભાગડાખુર્દ ખાતે 2000 કરોડના પ્રોજેક્ટને પણ અપાઈ લીલીઝંડી
પુણે IIT દ્વારા ડિઝાઇન બનાવીને પ્રોટેક્શન વોલ બનાવવામાં આવશે
મંત્રીએ માત્ર દેખાડો કર્યો હોવાનો સરપંચનો આક્ષેપ
કામગીરી થશે કે કેમ તે અંગે પણ ઉઠાવ્યા સવાલો
વન અને પર્યાવરણ અને વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશ પટેલ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી,અને સ્થાનિકોએ મંત્રીને ઉગ્ર રજૂઆતો કરીને પોતાનો રોષ ઠાલવ્યો હતો.
વલસાડ શહેરમાં આવેલા વિનાશક પુરના કારણે વલસાડના કાશ્મીરાનગર બરૂડિયાવાડ અને ઔરંગા નદી કાંઠે આવેલ ભાગડાખુર્દ ગામ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.જેને લઈને સ્થાનિકોની ઘરવખરી સહિત ઘરોને પણ નુકસાન થયું હતું.ઔરંગા નદી કિનારે આવેલા ભાગડાખુર્દ ગામમાં ત્રણ જેટલા ઘરોને પ્રોટેક્શન વોલના અભાવના કારણે નુકસાન થયું હતું. પૂર ગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનીનો તાગ મેળવવા માટે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ અને વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશ પટેલ દ્વારા આ તમામ વિસ્તારોની મુલાકાત લીધી હતી.પૂરગ્રસ્ત વિસ્તારોના સર્વે માટે પણ આદેશો આપી અને ઘરવખરીને જો નુકસાન થયું હોય તો કેશડોલ આપવાની અને સહાય આપવા અંગે સ્થાનિક વહીવટી તંત્રને આદેશ આપ્યા હતા.
તો બીજી તરફ મંત્રીએ પૂરગ્રસ્ત લોકોના રોષનો ભોગ પણ બનવું પડ્યું હતું.જેમાં વલસાડના ભાગડાખુર્દ ગામની મુલાકાત લેતા સ્થાનિકોએ મંત્રીને જણાવ્યું હતું કે રેતી ખનનના કારણે સમગ્ર ઘટનાઓ બની રહી છે. સાથે જ તમામ જે અધિકારીઓ છે તેમના દ્વારા બનાવવામાં આવતી ડિઝાઇન અને કામગીરી બે મતલબની હોય છે.ઉપરાંત સરપંચ દ્વારા આક્ષેપ કરતા જણાવવામાં આવ્યું હતું કે મંત્રી માત્ર દેખાડો કરી રહ્યા છે પરંતુ કામગીરી થશે કે તે પણ એક સવાલ છે. હાલ ગામની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે દર વર્ષે સર્જાતી આ સમસ્યાનો નિરાકરણ આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.