તા. 22મી ડિસેમ્બરે ક્ષત્રિય એકતા મહા સંમેલનનું આયોજન
વાપી ખાતે ક્ષત્રિય કરણી સેના દ્વારા કાર્યકર્તા સંમેલન યોજાયું
ક્ષત્રિય કરણી સેનાના સંસ્થાપક-રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા ઉપસ્થિત
લૉરેન્સ બિશ્નોઈને જે મારશે તેને ઇનામ આપાશે : રાજ શેખાવત
રાજ શેખાવતે સનસનીખેજ જાહેરાત કરતા ભારે ચકચાર મચી
ક્ષત્રિય કરણી સેનાના સંસ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે ફરી એક વખત જાહેરમાં લૉરેન્સ બિશ્નોઈ મામલે વિવાદિત નિવેદન આપ્યું છે. વલસાડ જિલ્લાના વાપીમાં ક્ષત્રિય કરણી સેનાના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા રાજ શેખાવતે જણાવ્યું હતું કે, લૉરેન્સ બિશ્નોઈને જે મારશે તેને ક્ષત્રિય કરણી સેના ઇનામ આપશે તેવી જાહેરાત કરી છે. એટલું જ નહીં, તેઓના મત મુજબ લૉરેન્સ બિશ્નોઈની ગેંગે સુખદેવસિંહ ગોગામેડીની હત્યા કરી હોવાથી ક્ષત્રિય કરણી સેના તેનો બદલો લેશે તેવી પણ તેઓએ જાહેરાત કરી છે.
લૉરેન્સ જ્યાં સુધી જેલમાં છે, ત્યાં સુધી સુરક્ષિત છે, અને જેલની બહાર નીકળશે ત્યારે ક્ષત્રિય કરણી સેનાના કાર્યકર્તાઓ દ્વારા તેને મારવામાં આવશે તેવી સનસનીખેજ જાહેરાત કરતા જ ચકચાર મચી ગઈ છે. મહત્વપૂર્ણ છે કે, આગામી 22મી ડિસેમ્બરના રોજ આયોજિત ક્ષત્રિય એકતા મહા સંમેલનને લઇ કાર્યકર્તાઓને આમંત્રણ આપવા અને તેનો સંદેશ આપવા રાજ શેખાવત વાપી પહોંચ્યા હતા, જ્યાં તેઓએ ક્ષત્રિય કરણી સેનાના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેઓએ મીડિયા સાથે વાત કરતા ફરી એક વખત લૉરેન્સ બિશ્નોઈને ખુલ્લી ધમકી આપી હતી.