લીંબડી નગરપાલિકા કચેરી ખાતે મહિલાઓનો હલ્લાબોલ
ઘણા સમયથી પાણી, રોડ, સફાઈની સુવિધાઓનો અભાવ
પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો
મહિલાઓએ ઉગ્ર હલ્લો મચાવી દરવાજામાં તોડફોડ કરી
વહેલી તકે પ્રાથમિક સુવિધા આપવા સ્થાનિકોએ માંગ કરી
સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી નગરપાલિકા કચેરી ખાતે સ્થાનિક રહીશો અને મહિલાઓએ પ્રાથમિક સુવિધાના અભાવે હલ્લો મચાવી તોડફોડ કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી શહેરના જુના પાવર હાઉસ રોડ, જૈન સેવા મંડળ કોલોની સહિત આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી પાણી, રોડ, સફાઈ સહિતની સુવિધાઓ નહી મળતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.
અનેક રજૂઆત બાદ પણ પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં નહી આવતા સ્થાનિકોએ પાલિકા કચેરીને માથે લીધી હતી. રોષે ભરાયેલા રહીશો અને મહિલાઓએ લીંબડી નગરપાલિકા કચેરીમાં ચીફ ઓફિસરની ચેમ્બરના બારણાને ખુરશી મારી કાચ તોડી નાખ્યો હતો. રજૂઆત દરમિયાન પાલિકાના ચીફ ઓફિસર કે, અન્ય સત્તાધીશો હાજર ન મળતા સ્થાનિકો લાલઘૂમ થયા હતા. વહેલી તકે પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં નહી આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી હતી.