Connect Gujarat
ગુજરાત

“વિશ્વ સાયકલ દિવસ” : સાયકલ ચલાવીને સ્વસ્થ રહેવા માટે લોકોને અપીલ કરતા સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા ગ્રૂપના યુવાનો...

આજે તા. 3જી જૂનના રોજ વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે

X

આજે તા. 3જી જૂનના રોજ વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના યુવાનો દ્વારા લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવા અનોખું સાયકલિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

કોરોના મહામારીએ સમગ્ર વિશ્વના લોકોને તેમના સ્વાસ્થ્યનું મહત્વ સમજાવ્યું છે. કોરોના મહામારીના સમયમાં લોકોએ વ્યક્તિગત રીતે અથવા તો ગ્રુપ બનાવીને પોતાના સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવાના અનેક રસ્તાઓ અપનાવ્યા છે. જેમ કે, કેટલાક લોકોએ સવારે ચાલવાનું, તો કેટલાકે સવારે દોડવાનું અને કેટલાકે તો યોગા અને સાયકલીંગ કરીને પોતાની ફિટનેસ પર ધ્યાન આપવાનું શરુ કર્યું છે. તેવામાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના કેટલાક ઉત્સાહી લોકો “Sunday Cycling”ના નામથી એક મોર્નિંગ સાયકલીંગ ગ્રુપ શરૂ કર્યું છે. ફક્ત 5થી 6 વ્યક્તિઓથી શરૂ કરવામાં આવેલા આ ગ્રુપમાં આજે 1 વર્ષના અંતે લગભગ 65 જેટલા સભ્યો જોડાઈ ચૂક્યા છે. શરૂઆતમાં ફક્ત રવિવારના દિવસે જ સાઈકલિંગ કરતાં આ ગ્રુપમાં જેમ જેમ સભ્યોની સંખ્યા વધતી ગઈ તેમ આ ગ્રુપ દ્વારા ફક્ત રવિવારને બદલે દરરોજ સાઈકલિંગ કરવાનું શરૂ કર્યું હતું. ધ્રાંગધ્રા શહેરમાં સવારના 5 વાગે "ગુડ મોર્નિંગ"ના મેસેજ વહેતા થાય અને જોતજોતામાં તો સાયકલ અને પાણીની બોટલો સાથે ગ્રુપના તમામ સભ્યો નક્કી કરવામાં આવેલા મિટિંગ પોઇન્ટ પર એકત્રિત થઈ જાય અને પછી જાતે જ કેટલા કિલોમીટર અંતર કાપવું તેવો લક્ષ્ય નક્કી કરીને સાઇકલ સવારો નીકળી પડે. દરરોજના સરેરાશ 30 કિલોમીટર સાયકલીંગને અંતે છેલ્લા 12 માસમાં આ ગ્રુપે અંદાજે 60હજાર કિલોમીટરથી પણ વધુ સાયકલીંગ કર્યું છે. ઉનાળાની બળબળતી ગરમી હોય, ચોમાસાનો વરસાદ હોય કે, પછી શિયાળાની કાતિલ ઠંડી હોય, આમાંથી કોઈ પણ ઋતુ આ સાયકલીંગ ગ્રુપના જુસ્સાને ડગમગાવી શકી નથી, ત્યારે આજે "વિશ્વ સાયકલ દિવસ" નિમિત્તે આ ગ્રૂપના સભ્યો દ્વારા ધ્રાંગધ્રા શહેરના લોકોને જાગૃત કરવા માટે શહેરના વિવિધ માર્ગો પર સાયકલિંગ કર્યું હતું. એટલું જ નહીં, ગ્રુપના તમામ સભ્યોએ અન્ય લોકોને પણ સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવા અનુરોધ કર્યો હતો.

Next Story