/connect-gujarat/media/post_banners/fb1ceb3c3a1d5911e397d21451ec21fcb3945866613fae734ba51c4e4c182015.webp)
ડમીકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સામે હવે ખંડણી અને કાવતરા સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. યુવરાજસિંહ અને તેમના માણસો સામે 1 કરોડ રૂપિયા લીધા હોવાનો આરોપ છે. પોલીસે યુવરાજસિંહ સામે ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. યુવરાજસિંહ પૂછપરછ દરમિયાન ગોળ ગોળ જવાબ આપતા હોવાનું પણ રેન્જ આઈજી ગૌતમ પરમારે જણાવ્યું હતું.
ભાવનગર પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, યુવરાજસિંહ અને તેમના માણસોએ રૂષિત બારૈયા નામના એક ડમી વિદ્યાર્થીનો વીડિયો બનાવ્યો હતો અને તે વીડિયોનો ડર પ્રકાશ દવેને બતાવી તેનું નામ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં નહીં લેવા પેટે બળજબરી અને ધાક ધમકીથી રૂપિયા 45 લાખ પડાવી લીધાની હકીકત જણાયેલ જેના સમર્થનો કરતા નિવેદનો તથા અન્ય પુરાવાઓ પોલીસ દ્વારા મેળવવામાં આવેલ છે. તેવી જ રીતે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં નામ નહીં લેવા માટે પ્રદીપ બારૈયા નામના વ્યકિત પાસેથી યુવરાજસિંહ તથા તેના માણસોએ 55 લાખ રૂપિયા લીધા હોવાની વિગત સામે આવતા તેમના પણ પુરાવાઓ મેળવાયા છે.
ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે પ્રેસ કોન્ફરન્સ કરતા કહ્યું હતું કે, આજે યુવરાજસિંહને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. તેઓ પૂછપરછ દરમિયાન ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે. યુવરાજસિંહ સામે સાંયોગિત પુરાવા, CCTV, ગુપ્ત ચેટ અને અન્ય પુરાવાઓ મળ્યા હોવાની વાત રેન્જ આઈજીએ કરી હતી.