હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત માટે આગામી 4 દિવસ આફત સમાન છે. આગામી 31 જુલાઈથી 2 ઓગષ્ટ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર, ભરૂચ, આણંદ, નર્મદા, તાપી, ડાંગ, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિતના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્રને સંપૂર્ણપણે સજ્જ અને સતર્ક રાખવાના હેતુથી ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર -SEOC ખાતે એક સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ હતી.

વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી આ બેઠકમાં પ્રભાવિત થઈ શકે તેવા તમામ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે હાલની પરિસ્થિતિ અને આપત્તિ વ્યવસ્થાપનની પૂર્વ તૈયારીઓની ઉંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર, ભરૂચ, આણંદ, નર્મદા, તાપી, ડાંગ, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના કલેકટર તથા ઉચ્ચ અધિકારીઓ વીડિયો કોન્ફરેન્સના માધ્યમથી સીધો સંવાદ સાધ્યો હતો.

સમીક્ષા બાદ પ્રભાવિત તમામ જિલ્લાના અધિકારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ કોઈપણ ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે દરેક જિલ્લામાં 24×7 કંટ્રોલ રૂમ કાર્યરત રાખવા અને એક વર્ગ-1 અધિકારીને રાઉન્ડ ધ ક્લોક સુપરવિઝન માટે તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો છે.