ભાવનગર પોલીસ સંપૂર્ણપણે એલર્ટ મોડ
જિલ્લા પોલીસવડાની આગેવાનીમાં ફૂટ પેટ્રોલિંગ યોજાયું
મુખ્ય બજાર અને સોની બજારમાં યોજાયું ફૂટ પેટ્રોલિંગ
નાગરિકો અને વેપારીઓની સુરક્ષા માટે પોલીસ સજ્જ
કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસનો કાફલો રોડ પર ઉતર્યો
ભાવનગર શહેરમાં દિવાળીના તહેવારને પગલે જિલ્લા પોલીસ વડાની આગેવાનીમાં મુખ્ય બજાર અને સોની બજારમાં સઘન ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું.
ભાવનગરમાં દિવાળીના પ્રકાશ પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ભાવનગર શહેરની બજારોમાં ખરીદી માટે નાગરિકોની ભારે ભીડ ઉમટી પડી છે. આ તહેવારોના દિવસોમાં શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરવાના હેતુથી ભાવનગર પોલીસ સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગઈ છે.
પરિસ્થિતિ પર સીધી નજર રાખવા માટે ભાવનગર જિલ્લા પોલીસ વડાની ખાસ ઉપસ્થિતિમાં શહેરના અતિવ્યસ્ત ગણાતા મુખ્ય બજાર તેમજ સોની બજાર વિસ્તારમાં પોલીસના કાફલા સાથે ભવ્ય ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દિવાળીની ખરીદી કરવા આવતા આમ નાગરિકો તેમજ સ્થાનિક વેપારીઓને ચોરી, લૂંટ કે અન્ય કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે પોલીસ પ્રશાસન દ્વારા આગોતરું આયોજન કરી સુરક્ષા વ્યવસ્થા અત્યંત સઘન બનાવવામાં આવી છે.
લોકો કોઈ પણ ભય વિના શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં દિવાળીના તહેવારની ઉજવણી કરી શકે તે જ પોલીસના આ ફૂટ પેટ્રોલિંગનો મુખ્ય હેતુ છે. તહેવારો દરમિયાન શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભાવનગર પોલીસ સંપૂર્ણ રીતે સજ્જ છે અને સંવેદનશીલ વિસ્તારોમાં સતત વોચ રાખવામાં આવી રહી છે.
