ક્રિકેટ ચાહકો માટે એક મોટા અને રોમાંચક સમાચાર સામે આવ્યા છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025-27 ની સાયકલ અંતર્ગત, ઓસ્ટ્રેલિયાની મેન્સ ક્રિકેટ ટીમ 5 મેચોની ધમાકેદાર ટેસ્ટ સિરીઝ રમવા માટે ભારતનો પ્રવાસ ખેડવાની છે. આ પ્રવાસ જાન્યુઆરી 2027 માં શરૂ થશે, જે બંને ટીમો માટે WTC ફાઇનલની રેસમાં અત્યંત મહત્વનો સાબિત થશે. હાલમાં ભારતીય ટીમ શ્રીલંકાના પ્રવાસે છે, જ્યાં 15 ઓગસ્ટથી ગાલે ખાતે અને 23 ઓગસ્ટથી સિંહાલી સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ પર એમ બે ટેસ્ટ મેચો રમાવાની છે. પરંતુ, ચાહકોની નજર અત્યારથી જ 2027 માં રમાનારી ઇન્ડિયા વર્સિસ ઓસ્ટ્રેલિયા સિરીઝ પર મંડાયેલી છે.

ઓસ્ટ્રેલિયાના આ બહુચર્ચિત ભારત પ્રવાસની શરૂઆત જાન્યુઆરી 2027 માં થશે. સિરીઝની પહેલી ટેસ્ટ મેચ 21 જાન્યુઆરીથી નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. આ મેદાન ભારતીય ટીમ માટે ઘણું લકી રહ્યું છે. ભારતે અત્યાર સુધી આ મેદાન પર 7 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી 5 માં શાનદાર જીત મેળવી છે અને માત્ર 1 મેચમાં જ હારનો સામનો કરવો પડ્યો છે.

બંને દિગ્ગજ ટીમો વચ્ચે બીજી ટેસ્ટ મેચ 29 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી દરમિયાન ચેન્નાઈના ઐતિહાસિક એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેદાનનો ઈતિહાસ ખૂબ જ લાંબો છે. ટીમ ઇન્ડિયાએ અહીં કુલ 35 ટેસ્ટ મેચો રમી છે, જેમાં 16 મેચમાં ભારતે બાજી મારી છે, જ્યારે 7 મેચમાં તેને હારનો સ્વાદ ચાખવો પડ્યો છે.

સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ 11 થી 15 ફેબ્રુઆરીની વચ્ચે ગુવાહાટીના ડૉ. ભૂપેન હજારિકા ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે. ઉલ્લેખનીય છે કે, આ મેદાન પર ભારતે અત્યાર સુધી માત્ર એક જ ટેસ્ટ મેચ રમી છે. ગયા વર્ષે સાઉથ આફ્રિકા સામે રમાયેલી તે એકમાત્ર ટેસ્ટ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. તેથી, આ વખતે ટીમ ઇન્ડિયા અહી જીતનું ખાતું ખોલાવવા મેદાનમાં ઉતરશે.

ચોથી ટેસ્ટ મેચ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના હોમટાઉન રાંચીમાં રમાશે. ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશન ઇન્ટરનેશનલ સ્ટેડિયમ (JSCA) ખાતે આ મુકાબલો 19 થી 23 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. ભારતીય ટીમે આ મેદાન પર અત્યાર સુધી 3 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી 2 માં જીત હાંસલ કરી છે. જ્યારે ઓસ્ટ્રેલિયા સામે અહીં રમાયેલી એક મેચ ડ્રો રહી હતી.

આ 5 મેચોની રોમાંચક ટેસ્ટ સિરીઝનો અંતિમ અને નિર્ણાયક મુકાબલો 27 ફેબ્રુઆરીથી 3 માર્ચ દરમિયાન અમદાવાદના વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. ભારતે આ વિશાળ મેદાન પર અત્યાર સુધી 16 ટેસ્ટ મેચ રમી છે. જેમાંથી 10 મેચ ડ્રોમાં પરિણમી છે, જ્યારે 4 મેચમાં ભારતે શાનદાર જીત મેળવી છે અને 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.