/connect-gujarat/media/media_files/2025/06/23/badrinath-highway-blocked-2025-06-23-12-25-42.jpg)
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ભારે વરસાદને કારણે ભાનેરપાણી (પીપલકોટી) નજીક બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરવામાં આવ્યો છે. ચમોલી પોલીસ અને ચારધામ પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા આ અંગે મુસાફરો અને ભક્તોને માહિતી આપવામાં આવી છે. રવિવાર મોડી રાતથી પડી રહેલા અવિરત વરસાદના કારણે રસ્તા પર સતત કાટમાળ અને પથ્થરો પડી રહ્યા છે. જેના કારણે રસ્તો ખોલવાના કામમાં વિક્ષેપ આવી રહ્યો છે.
વહીવટીતંત્ર દ્વારા રાહત કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે, પરંતુ સતત પથ્થરો પડી રહ્યા હોવાથી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ચમોલી પોલીસે તેના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર / 'X' પર લખ્યું, "સતત વરસાદને કારણે ભાનેરપાણી (પીપલકોટી) નજીક બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ છે. રસ્તો ખોલવાનું કામ ચાલી રહ્યું છે, પરંતુ ટેકરી પરથી સતત પથ્થરો પડતાં કામમાં અવરોધ આવી રહ્યો છે."
દરમિયાન, ચારધામ પોલીસ કંટ્રોલ રૂમે યાત્રાળુઓને ધીરજ રાખવા અપીલ કરી છે, અને કટોકટી સંપર્ક માટે હેલ્પલાઇન નંબર 0135-2714484 અને મોબાઇલ નંબર 9897846203 જારી કર્યો છે.
હવામાન અને રસ્તાની સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી અધિકારીઓ મુસાફરોને તેમની મુસાફરી મુલતવી રાખવાની સલાહ આપી રહ્યા છે.
આ ઘટનાના થોડા દિવસો પહેલા 15 જૂને, ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લાના ગૌરીકુંડના જંગલોમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં પાઇલટ સહિત સાત લોકો માર્યા ગયા હતા. આર્યન એવિએશનનું આ હેલિકોપ્ટર કેદારનાથ ધામથી ગુપ્તકાશી જઈ રહ્યું હતું ત્યારે સવારે 5:30 વાગ્યે આ અકસ્માત થયો હતો.
હેલિકોપ્ટર દુર્ઘટના પછી ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ તેમના નિવાસસ્થાનેથી વરિષ્ઠ અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ ઉચ્ચ-સ્તરીય બેઠક યોજી હતી, જેમાં મુખ્ય સચિવ, આપત્તિ વ્યવસ્થાપન સચિવ, UCADA ના CEO, ગઢવાલ કમિશનર સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
દરમિયાન નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ માહિતી આપી છે કે, હાલ માટે સાવચેતીના પગલા તરીકે ચારધામમાં હેલિકોપ્ટર સેવાઓની સંખ્યામાં ઘટાડો કરવામાં આવશે. ડીજીસીએએ તકેદારી વધારવા અને કામગીરીની સમીક્ષા કરવા માટે પણ સૂચનાઓ આપી છે.
/connect-gujarat/media/media_files/2025/07/19/bus-2025-07-19-20-28-40.jpg)