કેસરોલ ગામે 50માં શરદપૂર્ણિમા દશેરા મહોત્સવની કરાશે ઉજવણી
સદગુરુ મહારાજ સોમદાસ બાપુની અધ્યક્ષતામાં મહોત્સવનું આયોજન
શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ કથા તથા સત્સંગ હરિકિર્તનનું આયોજન
કેસરોલ ખાતે શરદપૂર્ણિમા દશેરા મહોત્સવની તૈયારીને અંતિમ ઓપ
શરદપૂર્ણિમા દશેરા મહોત્સવના આયોજકો દ્વારા સ્થળ નિરીક્ષણ કરાયું
સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુ પ્રેરિત 50માં શરદપૂર્ણિમા સુવર્ણ પર્વ દશેરા મહોત્સવ નિમિત્તે આગામી તા. 30 ડિસેમ્બર-2024ના રોજ એક દિવસીય શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ કથા તથા સત્સંગ હરિકિર્તનનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર ગુજરાત સહિત ભરૂચ જિલ્લામાંથી લાખો લોકો આ પ્રસંગે કાર્યક્રમમાં હાજર રહેનાર છે, ત્યારે કેસરોલ ગામ નજીક કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં પ્રખ્યાત કથાકાર જીજ્ઞેશદાદા અને ગુજરાતી લોક ગાયક કમલેશ બારોટ વિશેષ ઉપસ્થિત રહેનાર છે, જેને લઈને કથાપ્રેમીઓમાં અને ભજન પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મહોત્સવને લઈને પ.પૂ. સોમદાસ બાપુના આદેશ અને માર્ગદર્શન હેઠળ માં મણીબા ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક તેમજ સામાજિક આગેવાન ધનજી પરમારની અધ્યક્ષતામાં સમગ્ર ટીમ દ્વારા મંડપ, બેઠક, પાર્કિંગ, મહાપ્રસાદી સહિતની વિવિધ બાબતોને ધ્યાને લઇ કાર્યકરોના સહકારથી આયોજનને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે, ત્યારે આ કાર્યક્રમની તૈયારીમાં ભરૂચથી દહેજ રોડ પર આવેલા તમામ ગામોના આગેવાનો સહિત સનાતન સંત પરિવારના સભ્યો અને ગુરુભક્તો તનતોડ મહેનત કરી રહ્યા છે.