હિમાચલના કુલ્લુમાં આભ ફાટ્યું, વૃક્ષો ધરાશાયી, નદી બની ગાંડીતૂર, એલર્ટ જાહેર

હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાની સૈંજ ખીણમાં આભ ફાટ્યું છે. ધોધમાર વરસાદના કારણે આસપાસના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

New Update
himachal

હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાની સૈંજ ખીણમાં આભ ફાટ્યું છે. ધોધમાર વરસાદના કારણે આસપાસના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સ્થાનિક પ્રશાસનના જણાવ્યા અનુસાર, પાર્વતી નદી ગાંડીતૂર બની છે. જો કે, અત્યારસુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. ભારે વરસાદના કારણે 20થી 25 વાહનોને નુકસાન થયું છે. જનજીવન ખોરવાયું છે. અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા છે.

નિર્મંદના એસડીએમ મનમોહન સિંહે જણાવ્યું હતું કે, અનારાધાર વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. જો કે, હજી સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. ઝાક્રીમાં હિન્દુસ્તાન- તિબેટ રોડ (નેશનલ હાઈવે 5) પર  ભૂસ્ખલનની ઘટના પણ બની છે.

સતલુજ નદીની જળ સપાટી વધી છે. જેમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં પૂર અને ભૂસ્ખલનના કારણે વાહનોને ભારે નુકસાન થયું છે. અમુક સ્થાનિકોએ આભ ફાટ્યું હોવાનું નિવેદન આપ્યું છે.

સત્તાધીશોએ પણ ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ માટે એલર્ટ આપ્યું છે. સ્થાનિકોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ નદી-તળાવના કિનારે ન જાય. હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં લો. હવામાન વિભાગે આગામી 24 કલાક સુધી હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરી છે. 

સ્થાનિક લોકોએ જણાવ્યું કે સાંજે 6 વાગ્યાની આસપાસ, અચાનક પૂર આવ્યું, જેમાં જોરદાર ગાજવીજ અને મુશળધાર વરસાદ પડ્યો અને થોડી જ વારમાં રસ્તા પર પાર્ક કરેલા બધા વાહનોને તણાઈ ગયા. પૂર અને કાટમાળને કારણે થોડા સમય માટે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો.

સ્થાનિક લોકો અને વહીવટીતંત્રે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પ્રોટોકોલ જ્યોતિ રાણાએ જણાવ્યું હતું કે વાદળ ફાટવાની ઘટના કુલ્લુ જિલ્લામાં બની હતી. રામપુરમાં ભારે વરસાદને કારણે ત્રણ જગ્યાએ રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા. ત્રણેય રસ્તાઓ પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે. તે જ સમયે, ભારે વરસાદને કારણે, રસ્તા પર કાટમાળને કારણે કેટલાક વાહનો ફસાઈ ગયા હતા. અહીં પોલીસ સ્ટેશન પાસેના એક ઘરમાં પણ ગટરનું પાણી ઘૂસી ગયું.