હોંગકોંગના માલવાહક જહાજમાં બ્લાસ્ટથી લાગી આગ,સદનસીબે જાનહાની ટળી

જહાજની આગળના ભાગમાં એટલે કે સંભવિત બોઇલર રૂમમાં જોરદાર વિસ્ફોટ થયા બાદ તે એક બાજુ નમી ગયું હતું 21 જેટલા ક્રૂ સભ્યોને સલામત રીતે ઉગારી લેવામાં આવ્યા

New Update
Cargo ship

પશ્ચિમ કાંઠાના મહાબંદર કંડલા ખાતે મિથેનોલ કેમિકલ ખાલી કરીને પરત જઈ રહેલાં માલવાહક જહાજમાં તુણા ઓટીબી પાસે અચાનક બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હતી,અને આ વિશાળ જહાજ એક તરફ નમી ગયું હતું.સદભાગ્યે આ બનાવમાં જાનહાનિ ટળી જતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.

કંડલા બંદરની વ્યસ્ત જેટી નં.2 ઉપર હોંગકોંગનું એમ.ટી. ફુલદા નામનું માલવાહક જહાજ લંગારાયું હતું. મિથેનોલ ખાલી કરીને આ જહાજ ઓમાનના સોહાર પોર્ટ તરફ રવાના થયું હતુંઆ દરમિયાન ઢળતી બપોરના અરસામાં તુણા ઓ.ટી.બી. પાસે જ્યારે તે પહોંચ્યું ત્યારે આ જહાજની આગળના ભાગમાં એટલે કે સંભવિત બોઇલર રૂમમાં જોરદાર વિસ્ફોટ થયા બાદ તે એક બાજુ નમી ગયું હતું. ઘટના અંગેની જાણ થતા જ મેરીટાઈમ રિસપોન્સ કો-ઓર્ડિનેશન સેન્ટર તથા કોસ્ટગાર્ડ સહિતની ટુકડીઓએ હાથ ધરેલા દિલધડક રેસ્ક્યુ ઓપરેશનમાં સળગતા જહાજમાં ફસાઈ ગયેલા 21 જેટલા ક્રૂ સભ્યોને સલામત રીતે ઉગારી લેવામાં આવ્યા હતા.

આગામી દિવસોમાં જહાજના સર્વે સહિતની કામગીરી આરંભાશે તેમ કંડલા બંદરના જનસંપર્ક અધિકારી ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કેથોડાં વર્ષો અગાઉ કંડલાના દરિયાઈ વિસ્તારમાં જેનેશ ઓઈલ ટેન્કરમાં વિકરાળ આગ ભભૂકી ઉઠતાં એ જહાજ બળીને ખાખ થયું હતું. આ ઉપરાંત તાજેતરમાં જ કંડલાથી ઓમાન જઈ રહેલા જહાજની કપ્તાનની કેબિનમાં આગ ભભૂકી ઊઠી હતીજેમાં ભારતીય નૌકાદળની ટુકડી એ હેલિકોપ્ટર અને અગ્નિશમનની સામગ્રી લઈને સફળ બચાવ કામગીરી પાર પાડીને તમામ ખલાસીઓને બચાવી લેવાયા હતા.

Latest Stories