/connect-gujarat/media/media_files/2026/01/03/indore-2026-01-03-13-22-31.jpg)
દેશના સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરના ભગીરથપુરામાં આઠ દિવસથી પીવાનું દૂષિત પાણી પીવાના કારણે 15થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.જ્યારે 3000થી વધુ લોકો બીમાર પડયા છે, જેમાંથી 34ને આઈસીયુમાં દાખલ કરવા પડ્યા છે. ભગીરથપુરામાં 'ઝેરી' પાણી પીવાથી ઝાડા-ઉલ્ટીના નવા 338 કેસ નોંધાયા છે.
આ 'ઝેરી' પાણી પીવાથી શુક્રવારે વધુ એક વૃદ્ધ મહિલાનું મોત થયાનું સામે આવ્યું છે. દૂષિત પાણી પીવાથી લોકોના મોત થતા અને ઝાડા-ઉલ્ટીનો રોગચાળો ફાટી નીકળતા લોકોમાં ભારે આક્રોશ ફેલાયેલો છે. બીજી બાજુ આ રોગચાળાનું કારણ પીવાનું દુષિત પાણી હોવાનું લેબ ટેસ્ટમાં પુરવાર થતાં રાજ્ય સરકાર મુશ્કેલીમાં મુકાઈ છે.
દેશમાં આઠ વર્ષથી ભારતના સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ જીતનારા મધ્ય પ્રદેશના આર્થિક પાટનગર ઈન્દોરના ભગીરથપુરામાં છેલ્લા આઠ દિવસથી પીવાનું દૂષિત પાણી નાગરિકો માટે જીવલેણ સાબિત થયું છે. ટોઈલેટવાળું 'ઝેરી' પાણી પીવાથી શુક્રવારે વધુ એક મહિલાનું મોત નીપજ્યું હતું. વૃદ્ધ મહિલાને શહેરની અરવિંદો હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી હતી. મુખ્યમંત્રી મોહન યાદવે આ આપદાનો ભોગ બનેલા લોકોના પરિવારજનોને બે લાખ રૂપિયાની સહાય જાહેર કરી હતી.
રાજ્ય સરકારે સ્થિતિની સમીક્ષા કરી લોકોને પીવાનું પાણી પૂરું પાડવા પાણીના ટેન્કરો મોકલ્યા હતા. જોકે, લોકો એટલા ગભરાયેલા છે કે પાણી પીવાથી પણ ડરી રહ્યા છે. અધિકારીઓએ કહ્યું કે, આ સ્થિતિનો સામનો કરવા માટે સ્વાસ્થ્ય વિભાગે 21 ટીમ બનાવી છે, જેમાં ડોક્ટર, પેરામેડિકલ, એએનએમ અને આશા કાર્યકરોનો સમાવેશ કરાયો છે. તેઓ લોકોને ઘરે ઘરે જઈને પીવાનું પાણી ઉકાળીને પીવા, બહારનું ભોજન નહીં ખાવા માટે સમજાવી રહ્યા છે.