Connect Gujarat
દેશ

મહારાષ્ટ્રમાં વરસાદે સર્જી તારાજી; પૂર અને ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં 129 લોકોના થયા મોત

મહારાષ્ટ્રમાં અવિરત વરસાદ પગલે તબાહીના દ્રશ્યો, રાજ્યમાં છેલ્લા 48 કલાકમાં 129 લોકોના થયા મોત.

X

આજના સૌથી મોટા સમાચાર મહારાષ્ટ્રના છે જ્યાં વરસાદે તારાજી સર્જી છે. વરસાદના કારણે મહારાષ્ટ્રમાં છેલ્લા 48 કલાકમાં 129 જેટલા મોત થયા છે. એકતરફ કોરોનાનો પ્રકોપ ઝીલી રહેલા મહારાષ્ટ્ર માટે અવિરત વરસી રહેલો વરસાદ આફતનું કારણ બન્યું છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા 48 કલાક દરમિયાન ભૂસ્ખલન સહિત વરસાદને લગતી ઘટનાઓને કારણે 129 લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે, દરિયાકાંઠે રાયગઢ જિલ્લાના મહાડ તહસીલના એક ગામની પાસે ગુરુવારે ભૂસ્ખલનને કારણે 38 લોકોનાં મોત નીપજ્યાં હતાં સાથે મહારાષ્ટ્રમાં છેલ્લા 48 કલાક દરમિયાન વરસાદને લગતી ઘટનાઓમાં મૃત્યુઆંકની સંખ્યા વધીને 129 થઈ ગઈ છે. પૂરના પાણીમાં ભરાઈ જવાના કારણે ભૂસ્ખલન ઉપરાંત ઘણા લોકોના મોત પણ થયા હતા. મહારાષ્ટ્રના સાતારા જિલ્લામાં વરસાદને લગતી ઘટનાઓને કારણે 27 લોકોનાં મોત નીપજ્યાં છે. આ ઉપરાંત ગોંડિયા અને ચંદ્રપુર જિલ્લામાં પણ કેટલાક મોત થયા હોવાના અહેવાલ મળ્યા છે.

અવિરત વરસાદને કારણે રાયગઢ, રત્નાગિરી, પાલઘર, થાણે અને નાગપુરમાં ભારે વિનાશ સર્જાયો છે. રાયગઢ અને રત્નાગિરીમાં 70થી વધુ લોકો ગુમ હોવાનું જણાવાયું છે. રાયગઢના તલાઈ ગામે ગુરુવારે સાંજે પર્વતનો કાટમાળ ધસી પડતાં નીચે 35 મકાનો દબાઈ જતાં 36 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જોકે, 15 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 10થી વધુ લોકો હજી પણ કાટમાળ નીચે ફસાયા છે. પ્રધાનમંત્રીએ મૃતકના પરિવારને 2 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. પીએમ મોદીએ જણાવ્યુ હતું કે, મહારાષ્ટ્રની પૂરની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. કેન્દ્ર તરફથી સંપૂર્ણ મદદ આપવામાં આવી રહી છે.

મહારાષ્ટ્રમાં અવિરત વરસાદે સર્જેલી તારાજી પર નજર કરીએ તો, મુંબઈના ગવંડી વિસ્તારમાં મકાન ધરાશાયી થતાં ત્રણ લોકોનાં મોત થયા છે. આજથી કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની તીવ્રતા વધવાની શક્યતાઓ છે. જ્યારે રત્નાગીરીમાં વીજ પુરવઠો ઠપ થતાં ઓક્સિજન પર રહેલા આઠ દર્દીઓનાં મોત થયા હતા. છેલ્લા 24 કલાકથી ચિપલૂન ડૂબી ગયું છે અને ભીમાશંકર જ્યોતિર્લિંગનો અડધો ભાગ પાણીમાં છે.

રાયગઢ અને રત્નાગીરી સહિત છ જિલ્લામાં ભૂસ્ખલન અને ભારે વરસાદના સમાચારો સામે આવી રહ્યા છે. મહાબળેશ્વરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 595 મીમી વરસાદ થયો હતો, જે અત્યાર સુધીનો સૌથી વધુ રેકોર્ડ વરસાદ નોંધાયો છે. રત્નાગીરીમાં, જગબુદી નદી ભય જનક સપાટીથી બે મીટર ઉપર વહી રહી છે અને વશિષ્ઠ નદી ભય જનક સપાટીથી એક મીટર ઉપર વહી રહી છે. કાજલી, કોડાવલી, શાસ્ત્રી અને બાવંડી નદીઓ પણ ભયના સંકેતને પાર કરી ગઈ છે. રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગ, પુના, સતારા અને કોલ્હાપુર જિલ્લામાં રેડ એલર્ટ જારી કરાયું છે.

Next Story