/connect-gujarat/media/post_banners/5b4aae81d4936362d29534c9ff4b907704a49f5f4d50caa039799114af3a94e7.webp)
મહારાષ્ટ્રના રાયગઢમાં ગઈરાત્રે ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થતાં લગભગ 40 મકાનો ધરાશાયી થયા હતા. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે 25 લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે. 127 લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા છે.
ઈરશાલવાડી ગામમાં આ લોકોને બચાવવા માટે NDRFની ટીમો સ્થળ પર તહેનાત છે. રાહત અને પુનર્વસન મંત્રી અનિલ પાટીલે કહ્યું છે કે જો જરૂર પડશે તો ઘાયલોને એરલિફ્ટ કરવામાં આવશે. આ દિવસોમાં રાજ્યના 4 જિલ્લામાં પૂર જેવી સ્થિતિ છે. રાયગઢ જિલ્લામાં 6માંથી 3 નદીઓ ભયજનક નિશાનથી ઉપર વહી રહી છે. જેમાં અંબા, સાવિત્રી અને પાતાળગંગાનો સમાવેશ થાય છે.
અધિકારીઓએ જણાવ્યું કે કુંડલિકા, ગઢી અને ઉલ્હાસ નદીઓનું જળસ્તર ભયજનક નિશાનની નજીક પહોંચી ગયું છે. પૂર જેવી સ્થિતિ વચ્ચે રાજ્યમાં NDRFની 12 ટીમો તહેનાત કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરમાં બુધવારે 8 લોકોના મોત થયા છે. સુરજન ગામમાં ભૂસ્ખલનથી એક જ પરિવારના 5 લોકોના મોત થયા છે, જ્યારે સેરા વિસ્તારમાં પૂરમાં ફસાયેલા 3 લોકોના મોત થયા છે.
હવામાન વિભાગે દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. તેમજ 4 રાજ્યોમાં મધ્યમ વરસાદની સંભાવના છે.