Connect Gujarat
દેશ

નવા વર્ષના પહેલા જ દિવસે વડોદરામાં પતંગના દોરાથી યુવકનું ગળું ચિરાતા મોત..

નવા વર્ષના પહેલા જ દિવસે વડોદરામાં પતંગના દોરાથી યુવકનું ગળું ચિરાતા મોત..
X

આજે નવા વર્ષ 2023નો પ્રથમ દિવસ છે. ગઈ કાલે જુના વર્ષને જાકારો આપવા અને નવા વર્ષને વધાવવા યુવાનોમાં ભારે હર્ષોલ્લાસ હતો. પણ વર્ષના પહેલા દિવસે પતંગના દોરાના કારણે ગળું ચિરાઈ જવાના કારણે યુવકનું મોત નીપજ્યું છે. ગળું ચિરાઈ જવાને કારણે યુવકને એસએસજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જે બાદ સારવાર દરમિયાન તબીબોએ તેને મૃત જાહેર કર્યો છે. યુવકનું મોત ચાઈનીઝ દોરાને કારણે થયું હોવાનું અનુમાન હાલ તબક્કે સેવાઇ રહ્યું છે.

વર્ષ બદલાય તેમાં સૌથી પહેલો તહેવાર ઉત્તરાયણનો આવે છે. ઉત્તરાયણ પર્વ કેટલાક માટે મજા તો જેટલા માટે માતમ બની જતો હોય છે. જ્યારથી ધારદાર ચાઈનીઝ દોરાએ ઉત્તરાયણમાં પગ જમાવ્યો છે ત્યારથી ઘાતકી ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ઉત્તરાયણ પર્વને હજી 13 દિવસ બાકી છે. ત્યારે પતંગના દોરા વડે ગળું ચિરાઈ ગયા બાદ મોત થયાની ઘટના સામે આવી છે.

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, આજે સાંજના સમયે આશરે 30 વર્ષીય યુવાન ગિરીશ બાથમ (રહે-દંતેશ્વર) નવાપુરા વિસ્તારમાં આવેલા ખંડોબા મંદિર પાસેથી તેની બાઇક પર પસાર થઈ રહ્યો હતો. દરમિયાન પતંગની દોરીએ પસાર થતા તેના ગળામાં ઊંડો ઘા થયો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પતંગના દોરાથી યુવકનું ગળું ચિરાયું હતું. અને પુષ્કળ માત્રામાં લોહી તેમાંથી નીકળી રહ્યું હતું. આ હાલતમાં યુવકને તાત્કાલિક સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. એસએસજી હોસ્પિટલમાં યુવકનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.

ચાઈનીઝ દોરીના કારણે યુવકના ગળા પર ઊંડો ઘા થયાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. ઉત્તરાયણ પર્વને હજી 13 દિવસ બાકી છે. સરકારે ચાઈનીઝ દોરા અટકાવવા તથા લોકોએ દોરાથી બચવાના ઉપાયો તાત્કાલિક અસરથી ઉપયોગમાં લેવું પડશે. નહીં તો કેટલાય લોકોના જીવ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

Next Story