Connect Gujarat
દેશ

બદનક્ષી કેસમાં રાહુલ ગાંધીને ગુજરાત હાઇકોર્ટમાંથી પણ ઝટકો, અરજી નકારતા 2 વર્ષની સજા યથાવત

ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો, રાહુલ ગાંધીના બદનક્ષી કેસમાં ચુકાદો સંભળાવ્યો.

X

રાહુલ ગાંધી સામેના બદનક્ષી કેસમાં આજે ગુજરાત હાઇકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે જેમાં કોર્ટે રાહુલ ગાંધીની અરજી નકારી હતી. આથી રાહુલ ગાંધીની બે વર્ષની સજા યથાવત રહી છે.

મોદી અટક બદનક્ષી કેસમાં સુરતની નીચલી અદાલતે રાહુલ ગાંધીને બે વર્ષની સજા અને પંદર હજાર રૂપિયાના દંડની સજા સંભળાવી હતી. ત્યાર બાદ રાહુલ ગાંધી દ્વારા સુરત કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જોકે હાઇકોર્ટમાં બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ જજે ચુકાદાને ઉનાળુ વેકેશન બાદ આપવાનું જણાવ્યું હતું. ત્યારે રાહુલ ગાંધી સામેના બદનક્ષી કેસમાં આજે ગુજરાત હાઇકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે.

જજ હેમંત પ્રચ્છકે ચુકાદો સંભળાવ્યો હતો અને રાહુલ ગાંધીની અરજી નકારી હતી. આથી રાહુલ ગાંધીની બે વર્ષની સજા યથાવત રહી છે. આ ચુકાદાને લઈ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સુરત કોર્ટનું જ્યુરીડીક્શન નહોતું, કર્ણાટકમાં બોલાયેલી વસ્તુનો કેસ સુરતમાં ન થઈ શકે અને જો કરવો હોય તો કાનૂની પ્રોસિજર ફોલો કરવી પડે. લલિત મોદી, નિરવ મોદી દેશને લૂંટીને ગયા હોય તો એની વાત કરવી ગુનો ન બને. હાઇકોર્ટને નીચલી કોર્ટના ચુકાદામાં હસ્તક્ષેપ યોગ્ય ન લાગ્યો, આથી રાહુલ ગાંધીની 2 વર્ષની સજા યથાવત્ રખાઇ છે, જેથી તેમને સંસદપદ પાછું મળવાની આશા પર પાણી ફરી વળ્યું છે. કોર્ટે કહ્યું હતું કે, તેમની સામે 10 ગુના નોંધાયા છે જે હજી પેન્ડિંગ છે.

Next Story