કર્ણાટકના બેંગલુરુનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ ફ્લાયઓવર પરથી ઊભો રહીને નોટો ઉડાવતો જોવા મળી રહ્યો છે. નોટો જોઈને નાસભાગ મચી ગઈ હતી અને લોકો નોટો લૂંટવા માટે ફ્લાયઓવર નીચે એકઠા થઈ ગયા હતા. આ દરમિયાન ત્યાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી અને કેટલાક લોકો નોટો માટે તે વ્યક્તિની પાછળ જતા પણ જોવા મળ્યા હતા. તેને જોઈને રસ્તા પરથી પસાર થતા લોકો પણ ઉભા થઈ ગયા અને તેને આવું કરતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. આ દરમિયાન ત્યાં હાજર કેટલાક લોકોએ તેનો વીડિયો બનાવ્યો, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જે વિસ્તારનો છે ત્યાં ફ્લાયઓવરની નીચે એક માર્કેટ છે. આ ખૂબ જ વ્યસ્ત વિસ્તાર છે, જેના કારણે અહીં ઘણી ભીડ રહે છે.
આ દરમિયાન અહીં લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. વીડિયોમાં કોટ અને ટ્રાઉઝરમાં સજ્જ એક વ્યક્તિ ફ્લાયઓવર પરથી મોટી સંખ્યામાં ચલણી નોટોનો વરસાદ કરી રહ્યો છે. વીડિયોમાં એવું પણ જોવા મળ્યું હતું કે તેને આવું કરતા જોઈને કેટલાક લોકો તેની પાસે ગયા અને પૈસા માંગ્યા. શહેરના ટાઉન હોલ પાસે આવેલા કેઆર માર્કેટ ખાતે ફ્લાયઓવર નીચે પણ મોટી સંખ્યામાં લોકો રોકડ એકત્ર કરવા ભેગા થયા હતા.
જાણવા મળી રહ્યું છે કે આ વ્યક્તિ જે નોટો વરસાવી રહ્યો હતો તેમાં રૂ.10ની નોટ સામેલ હતી. ઘટના સમયે ત્યાં હાજર લોકોનું કહેવું છે કે આ વ્યક્તિએ 3000 રૂપિયાની નોટોનો વરસાદ કર્યો હતો. વીડિયોમાં આ વ્યક્તિ પણ તેના ગળામાં વોલ ક્લોક પહેરેલો જોવા મળે છે. તે વ્યક્તિ કોણ હતો અને જ્યાં સુધી પોલીસ ટીમ ત્યાં પહોંચી ત્યાં સુધી યુવક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.