/connect-gujarat/media/media_files/mZbHeG8SKgk0zhetYN5K.jpg)
એલ્વિશ યાદવ, અભિષેક મલ્હાન, લક્ષ્ય ચૌધરી અને પુરવ ઝા બાદ બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તીને સમન્સ જારી કરવામાં આવ્યું છે. હાઈબોક્સ એપ ફ્રોડ કેસમાં દિલ્હી પોલીસનું સાયબર સેલ તેની પૂછપરછ કરવા જઈ રહ્યું છે. હાયબોક્સ એપ ફ્રોડ કેસમાં ઘણા યુટ્યુબર અને ફિલ્મ સ્ટાર્સનું નામ પણ સામે આવી રહ્યું છે. એક નામ બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તીનું પણ છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ IFSO (ઇન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન્સ) એ આ કેસમાં રિયાને નોટિસ જારી કરી છે. આ છેતરપિંડીના કેસમાં રિયાની પૂછપરછ કરવામાં આવનાર છે.
રિયા સહિત અન્ય ઘણા યુટ્યુબર્સે Hybox એપનો પ્રચાર કર્યો અને લોકોને તેમાં રોકાણ કરવા પ્રેરિત કર્યા. રોકાણકારોને રોજના ઊંચા વ્યાજનું વચન આપીને એપ લગભગ 30,000 લોકોને છેતરતી હતી. તપાસમાં લગભગ 500 કરોડ રૂપિયાની છેતરપિંડીનો ખુલાસો થયો છે. દિલ્હી પોલીસ એપને પ્રમોટ કરનારા તમામ સેલેબ્સની પૂછપરછ કરી રહી છે.
રિયા ચક્રવર્તીને પૂછપરછ માટે 9 ઓક્ટોબરે દિલ્હીના દ્વારકામાં સાયબર સેલ IFSOની ઓફિસમાં બોલાવવામાં આવી છે. આ કેસમાં બીજું કંઈ પ્રકાશમાં આવે છે કે કેમ તે જોવાનું રહેશે. અગાઉ એવા અહેવાલ હતા કે રિયા ચક્રવર્તીની સાથે કોમેડિયન ભારતી સિંહને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે. જો કે હજુ સુધી તેને સમન્સ પાઠવવામાં આવ્યું નથી.
હાઈબોક્સ એપ દ્વારા લોકોને છેતરનાર માસ્ટર માઇન્ડ પોલીસ કસ્ટડીમાં છે. પોલીસે થોડા દિવસ પહેલા તેની ધરપકડ કરી હતી. તેના ચાર બેંક ખાતામાંથી 18 કરોડ રૂપિયા પણ જપ્ત કરવામાં આવ્યા છે. તેણે રોકાણકારોને જમા કરેલી રકમ પર 1 ટકાથી 5 ટકા દૈનિક વ્યાજ આપવાનું વચન આપ્યું હતું અને તેમની સાથે છેતરપિંડી કરી હતી.
આ કેસમાં રિયા ચક્રવર્તી પહેલા કેટલાક યુટ્યુબર્સને પણ નોટિસ આપવામાં આવી છે. તે યુટ્યુબર્સમાં બે મોટા નામ છે ‘બિગ બોસ ઓટીટી 2’ ફેમ એલ્વિશ યાદવ અને અભિષેક મલ્હાન (ફુકરા ઇન્સાન). આ બંને ઉપરાંત પુરવ ઝા અને લક્ષ્ય ચૌધરીને પણ નોટિસ પાઠવવામાં આવી હતી.