/connect-gujarat/media/media_files/2025/04/20/INszzZRXAVYvHGLl7MbA.jpg)
આભ ફાટતાં અનેક ઘર ધરાશાયી થયા છે. અત્યારસુધીમાં આઠના મોત નીપજ્યા છે. જ્યારે 100થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ધર્મકુંડ ગામમાં 40-50 ઘરો ધરાશાયી થયા છે.
જમ્મુ-શ્રીનગરની જીવન રેખા ગણાતા નેશનલ હાઈવે 44 પર ઠેર ઠેર કાદવ-કીચડ અને પથ્થરોનો ખડકલો ઉભો થયો છે. જેના કારણે હાઈવે લગભગ બંધ થયો છે. પરિવહન સેવાઓ ખોરવાઈ છે. સેકડોં વાહનો ફસાયા છે. જરૂરી વસ્તુઓનો પુરવઠો પણ મળી રહ્યો નથી. અનેક ઘરોમાં પાણી ફરી વળ્યા છે. બાળકો, વરિષ્ઠો અને બીમાર લોકોની સ્થિતિ વધુ દયનીય બની છે.
કાશ્મીરમાં બપોરે બરફના કરાં પડવાની અને વાવાઝોડું ફૂંકાવાની આગાહી હવામાન વિભાગે કરી છે. વર્તમાન સિસ્ટમ પર નજર રાખતાં હવામાન વિભાગે આજના દિવસે રેડ એલર્ટ જારી કર્યું છે. આવતીકાલથી હવામાનમાં સુધારો થવાની શક્યતા દર્શાવી છે. અરનાસ વિસ્તારના લમસોરા નંબર બેના એક ખાનાબદોષ પરિવાર પર વીજળી પડી છે. જેમાં વધુ બે લોકોના મોત નીપજ્યા છે. એક મહિલા ઘાયલ થઈ છે. વીજ પડવાથી 40-50 ઘેટાં-બકરાંઓના પણ મોત થયા છે. બાગનામાં પણ ઘર પાણીમાં વહી જતાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે.
જમ્મુ-કાશ્મીરના અનેક વિસ્તારોમાં છેલ્લા 24 કલાકથી મૂશળધાર વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે શનિવારે સવારે 8.30 વાગ્યાથી ભારે વરસાદ થઈ રહ્યો છે. રામબન વિસ્તારોમાં ઘર જમીન-દોસ્ત થયા છે. માન બનિહાલમાં 71 mm, કાજી કુંડમાં 53 mm, કુકરબાગમાં 43 mm, પહેલગામમાં 34 mm, શ્રીનગરમાં 12 mm વરસાદ થયો છે. શ્રીનગર દક્ષિણમાં 80-100 mm વરસાદ પડ્યો છે.
ભારે વરસાદના કારણે રામબન જિલ્લામાં જમ્મુ-શ્રીનગર હાઈવે પર ભયાવહ ભૂસ્ખલન થયુ છે. જેના લીધે હાઈવે પર ટ્રાફિક જામ થયો છે. હજારો ખાનગી વાહનો રસ્તા પર છોડવા લોકો મજબૂર બન્યા છે. સ્થાનિક સત્તાધીશોએ લોકોને સુરક્ષિત સ્થળે જવા અપીલ કરી છે. તેમજ હાઈવે પર મુસાફરી ન કરવા કહ્યું છે.