ઉત્તરાખંડમાં મંગળવારે એક મોટી દુર્ઘટના થઈ. કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ અકસ્માતમાં પાયલોટ સહિત 7 લોકોના મોત થયા છે. આ અકસ્માત કેદારનાથથી 2 કિમી દૂર ગરુડચટ્ટીમાં થયો હતો. હેલિકોપ્ટર ક્રેશ થવા પાછળનું એક કારણ ખરાબ હવામાન હોવાનું માનવામાં આવે છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રીના વિશેષ મુખ્ય સચિવ અભિનવ કુમારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં પાયલોટ સહિત 7 લોકોના મોતની પુષ્ટિ કરી છે.
આ હેલિકોપ્ટર આર્યન કંપનીનું હતું. હેલિકોપ્ટર ગુપ્તકાશીથી કેદારનાથ માટે ટેકઓફ થયું હતું. હેલિકોપ્ટરમાં પાયલટ સહિત 7 લોકો સવાર હતા. જ્યારે આ હેલિકોપ્ટર કેદાર ઘાટી તરફ આગળ વધ્યું ત્યારે ગરુડચટ્ટીમાં ક્રેશ થયું. હેલિકોપ્ટર જમીન પર પડતાં જ આગની લપેટમાં આવી ગયું હતું. આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર તમામ 7 લોકોના મોત થયા હતા.
પ્રાથમિક તપાસમાં ધુમ્મસના કારણે આ દુર્ઘટના બની હોવાનું બહાર આવ્યું છે. પહેલા હેલિકોપ્ટર અથડાયું, ત્યારબાદ તે વિસ્ફોટ થયો. કેદારનાથના એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે અહીં ખૂબ જ ઝડપથી વરસાદ પડી રહ્યો છે. માત્ર 15 મિનિટમાં હવામાન અચાનક ખરાબ થઈ ગયું. આ પછી અમારી ફ્લાઈટ પણ બંધ થઈ ગઈ. અમને કહેવામાં આવ્યું છે કે હેલિકોપ્ટર ક્રેશ થયું છે. ફ્લાઇટ હમણાં જ બંધ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે આ હેલિકોપ્ટરમાં માત્ર મુસાફરો સવાર હતા.