ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 માં ગુરુવારે ગુજરાત ટાઇટન્સ (GT) અને રાજસ્થાન રોયલ્સ (RR) સામેની મેચમાં જબરદસ્ત રમત જોવા મળી હતી. સમગ્ર મેચમાં ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાનું વર્ચસ્વ રહ્યું હતું. હાર્દિકે પ્રથમ બેટિંગમાં પોતાની તાકાત દેખાડી ત્યાર પછી ફિલ્ડિંગ દરમિયાન પણ તેની શાનદારતા જોવા મળી. હાર્દિક પંડ્યાએ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને તેના રોકેટ થ્રોથી રનઆઉટ કર્યો હતો. ડાયરેક્ટ થ્રોથી રનઆઉટનો પાવર એટલો ઝડપી હતો કે સ્ટમ્પ જ તૂટી ગયો હતો. આ થ્રો બાદ મેચ પણ થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી કારણ કે અમ્પાયરોએ સ્ટમ્પ બદલવો પડ્યો હતો.

તમને જણાવી દઈએ કે હવે સ્ટમ્પ ઈલેક્ટ્રોનિક છે જેમાં લાઈટ લગાવવામાં આવી છે. તેથી તેને બદલવું સરળ નથી. વાસ્તવમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને મિડ-ઓફ તરફ શોટ રમ્યો અને રન ચોરી કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ હાર્દિક પંડ્યાએ બોલ કેચ કરીને સીધો હિટ માર્યો હતો જે સીધો મિડલ સ્ટમ્પ પર ગયો હતો.