ચેન્નાઈ સુપર કિંગ્સના ચાહકો માટે રાહતના સમાચાર છે. ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા ઋતુરાજ ગાયકવાડે રવિવારે ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી મેચમાં શાનદાર ફિફ્ટી ફટકારીને વાપસી કરી હતી. ઋતુરાજ ગાયકવાડે 73 રનની ઇનિંગ રમી હતી. ઋતુરાજ ગાયકવાડ આ સિઝનની શરૂઆતથી જ રન માટે તલપાપડ હતો. પરંતુ ગુજરાત ટાઇટન્સ સામે તેનો દુષ્કાળ સમાપ્ત થયો. ઋતુરાજ ગાયકવાડે 48 બોલમાં 73 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં ઋતુરાજ ગાયકવાડે 5 સિક્સર અને 5 ફોર ફટકારી હતી.

આ મેચ પહેલા ઋતુરાજ સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો પરંતુ ટીમે તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અગાઉની મેચોમાં ઋતુરાજ ગાયકવાડના નામે 17, 16, 1, 1, 0 રન હતા. આ પહેલા પણ જો આઈપીએલના પાછલા રેકોર્ડ પર નજર કરીએ તો ઋતુરાજ શરૂઆતની મેચોમાં સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. પરંતુ બાદમાં તેણે જોરદાર વાપસી પણ કરી હતી. ઋતુરાજ ગાયકવાડે છેલ્લી સિઝનમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 16 મેચમાં 635 રન બનાવ્યા અને ઓરેન્જ કેપનો વિજેતા બન્યો. ઋતુરાજ બાદ ફાફ ડુ પ્લેસિસે સૌથી વધુ રન બનાવ્યા હતા અને બંને વચ્ચે માત્ર બે રનનો તફાવત હતો.