જુનાગઢ : સિવિલમાં રેપીડ ટેસ્ટ માટેની કીટ ખલાસ થતાં દર્દીઓ અટવાયાં, એક દર્દીનું મોત

New Update
જુનાગઢ : સિવિલમાં રેપીડ ટેસ્ટ માટેની કીટ ખલાસ થતાં દર્દીઓ અટવાયાં, એક દર્દીનું મોત

રાજયમાં કોરોનાના દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે સરકારના પ્રયાસોમાં હજી કયાંકને કયાંક કચાશ રહી જતી હોય તેમ લાગી રહયું છે. જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના ટેસ્ટ માટેની રેપીડ કીટ ખલાસ થઇ જતાં દર્દીઓને ચાર કલાક સુધી સ્ટ્રેચર પર સુવડાવી રાખવાની ફરજ પડી હતી. સારવારના અભાવે એક દર્દીનું મોત થઇ જતાં લોકોએ હોબાળો મચાવ્યો હતો.

ગુજરાતના દરેક શહેર અને ગામડાઓમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. કોરોનાના એટલા બધાં કેસ સામે આવી રહયાં છે કે હોસ્પિટલો અને આરોગ્યલક્ષી સુવિધાઓ વામણી પુરવાર થઇ રહી છે. સરકાર પ્રયાસો કરી રહી છે પણ તેમાં સફળતા મળતી હોય તેમ દેખાતું નથી. જુનાગઢ સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થવા આવતા દર્દીઓને ત્રણ ત્રણ કલાક સુધી કોઈ તપાસ કરવા પણ આવતું ન હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. માત્ર ઓક્સીજનની જરૂરિયાત વાળા જ દર્દીઓ જ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે.હોસ્પિટલમાં દર્દી દાખલ થાય ત્યારે કેસ કઢાવી સૌપ્રથમ તેનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવતો હોય છે પરંતુ કોરોના ટેસ્ટની કીટ ખલાસ થઇ જતાં હોબાળો મચી ગયો હતો. કલાકોનો સમય વીતી ગયો હોવા છતાં રેપિડ ટેસ્ટ માટેની કીટ આવી ન હતી. હોસ્પિટલમાં એક પછી એક દર્દીઓ આવી રહયાં હતાં પણ ટેસ્ટ કીટનું કોઇ ઠેકાણું પડતું ન હતું. ચાર ચાર કલાક સુધી દર્દીઓને સ્ટ્રેચર પર સુવડાવી રાખવામાં આવ્યાં હતાં. અનેક દર્દીઓ નીચે જમીન પર સુવા માટે મજબુર બની ગયાં હતાં. દર્દીઓની સારવાર કરવાને બદલે હોસ્પિટલ સત્તાધીશોએ પોલીસને બોલાવી અને દર્દીના પરિવારજનો ને દબાવવાનો પ્રયાસ પણ કર્યો હોવાના આક્ષેપો થઇ રહયાં છે.

Latest Stories