કચ્છ : રણોત્સવ પહેલા રણમાં ભરાયાં છે પાણી, પ્રવાસીઓને મળશે નિરાશા

New Update
કચ્છ : રણોત્સવ પહેલા રણમાં ભરાયાં છે પાણી, પ્રવાસીઓને મળશે નિરાશા

દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ માટે આર્કષણનું કેન્દ્ર બની ચુકેલાં કચ્છના રણોત્સવમાં આ વખતે પ્રવાસીઓ નિરાશ થાય તેવા સંજોગો ઉભા થયાં છે. ચોમાસામાં વરસેલા ભારે વરસાદના કારણે રણમાં હજી પાણી ભરાયેલા હોવાથી લોકો મીઠાની સફેદીનો રોમાંચ માણી શકશે નહિ અને તેના માટે તેમને થોડી રાહ જોવી પડશે.

સરહદી જિલ્લા કચ્છ વિશે કહેવામાં આવે છે કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા. અને તેમાં પણ કચ્છના રણમાં શિયાળાના પ્રારંભમાં યોજાતો રણોત્સવ દેશ અને વિદેશના લોકોને આર્કષી રહયો છે. રણોત્સવ શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ટેન્ટ સિટી ઉભું કરવાની કામગીરી યુધ્ધના ધોરણે ચાલી રહી છે. પરંતુ જેના કારણે સફેદ રણ વિખ્યાત છે એ નમક સરોવરના સ્થાને હાલમાં પાણી ભરાયેલું છે. કચ્છના રણમાં ભરાયેલા પાણી નવેમ્બર મહિનાના ત્રીજા અઠવાડિયામાં ઉતરશે અને ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં સફેદી દેખાય તેવી શકયતાઓ રહેલી છે.

આ વર્ષે પહેલી વખત એવું થયું છે કે રણોત્સવ શરૂ થવાના સમયે જ રણમાં પાણીની હાજરી જોવા મળી રહી છે. નોંધનીય છે કે,1 નવેમ્બર થી રણોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે અલબત, દિવાળી માણવા આવનારા પ્રવાસીઓને નજીકમાં જ્યાં પાણી સુકાઇ ગયું છે અને મીઠું સપાટી પર આવી ગયું છે ત્યાં સહેલગાહે જઇ શકશે. જે ધોરડોથી હાજીપીરના રસ્તે દસેક કિમીના દાયરામાં છે. અત્યારે કચ્છના રણમાં 125 એકર જેટલી બંજર જમીન પર ટેન્ટસિટી ઉભું કરવાનું કામ પૂરજોશમાં ચાલુ છે.ડિસેમ્બરની શરૂઆતમાં રણમાં નમકની સફેદી છવાઇ જશે. 23 ફેબ્રુઆરી સુધી રણોત્સવ ચાલશે ત્યાં સુધી નજીકના ઘડુલી-સાંતલપુર રોડ પર આશરે દશેક કિમી દુર જે રણ છે ત્યાં પ્રવાસીઓને લઇ જવાશે.રણોત્સવને માણવા ગત વર્ષે 3.25 લાખ પ્રવાસીઓ પહોંચ્યા હતાં.

Latest Stories