ભરૂચ શહેરના ભોલાવ ગામ અને GIDC વિસ્તારમાં વન્યપ્રાણી દીપડાની અવરજવરથી સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

ભરૂચના GIDC ફેઝ-1માંથી ભોલાવ ગામ તરફ દીપડો દેખાયો હોવાની માહિતી મળતા જ નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી, અને આ સમગ્ર ઘટનાના પુરાવારૂપે દીપડાની અવરજવર CCTV કેમેરામાં પણ કેદ થઈ છે.

ભોલાવ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ યુુવરાજસિંહ પરમારે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત રાત્રે આશરે 12 વાગ્યાના અરસામાં તેઓ GIDC ખાતેથી પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન એક કારની આગળ અચાનક દીપડો નજરે પડ્યો હતો. દીપડો રસ્તો ક્રોસ કરી રહ્યો હોવાનું જોઈને તેમણે તુરંત જ હિરેનભાઈ શાહ અને રિતેશભાઈ ગાયકવાડનો સંપર્ક કરી જાણ કરી હતી.

માહિતી મળતા જ રાત્રિના સુમારે જ ટીમો દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ આજરોજ સવારે સીસીટીવી ફુટેજની ચકાસણી કરતા તેમાં દીપડો સ્પષ્ટ નજરે ચઢ્યો હતો. ઘટનાની ગંભીરતા જોતાં વન વિભાગની ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી અને દીપડાના પંજાના નિશાન પણ જોવા મળ્યા છે. વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરૂ ગોઠવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.