બર્થ-ડે પાર્ટીના નામે દારૂની રેલમછેલમાં પોલીસે પાડ્યો ભંગ
સરાઝા હોટેલમાંથી 75થી વધુ લોકોને ઝડપ્યા
દિવાળીના માહોલમાં સરાઝા હોટેલમાં દારૂની છમછમ
એલસીબીના દરોડાથી ધનપતિઓમાં ભારે ફફડાટ
નબીરાઓ સામે પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ
દિવાળીના માહોલમાં રાજકોટની સરાઝા હોટેલમાં દારૂની રેલમછેલ પર લોકલ ક્રાઇમ બ્રાન્ચના દરોડાથી ધનપતિઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો,અને પોલીસે મહિલાઓ સહિત 76 લોકો સામે કાર્યવાહી કરી હતી.
ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ રહી ગઈ છે તેનો વધુ એક પુરાવો રાજકોટમાંથી સામે આવ્યો છે. દિવાળીના તહેવારની ઉજવણી વચ્ચે રાજકોટ કાલાવડ રોડ પર આવેલી મોંઘીદાટ ‘સરાઝા હોટેલ’માં અમીરબાપોના સાહબઝાદાઓ અને ધનાઢ્ય વેપારીઓ વિદેશી દારૂની ચુસ્કીઓ મારી રહ્યા હતા.
ડેકોરા ગ્રુપના માલિક ચિરાગ પટેલના એડવાન્સ બર્થડે સેલિબ્રેશનના નામે 31 ઓક્ટોબરની મધરાતે દારૂની મહેફિલ જામી હતી. પાર્ટીનો વીડિયો વાયરલ થતાં જ LCB ઝોન-2ની ટીમે રાત્રે 1 વાગ્યે ત્રાટકીને ઓચિંતો દરોડો પાડ્યો હતો. પોલીસને જોતાં જ પાર્ટીમાં દોડધામ મચી ગઈ હતી અને હોટેલમાં વીજળી ગુલ કરીને કાળા ધોળા ઢાંકવાના હવાતિયાં શરૂ થયા હતા.
આ હાઈપ્રોફાઈલ પાર્ટીમાં 43 પુરુષો અને 33 મહિલાઓ મળીને કુલ 76 લોકો હાજર હતા. ટેબલો પર દારૂના ભરેલા ગ્લાસ અને વિદેશી દારૂની 11 બોટલો મળી આવતાં જ સમગ્ર રાજકોટના વીઆઈપી વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે.
મીડિયાના કેમેરાથી બચવા મહિલાઓએ પોતાના મોઢા દુપટ્ટાના બદલે હોટેલની ખુરશી અને ટેબલના કવરથી ઢાંકી દીધા હતા! પોલીસે આ કેસમાં 92થી વધુ લોકોના બ્લડ સેમ્પલ લીધા છે અને આયોજક ચિરાગ પટેલ તથા હોટેલ સ્ટાફ સહિત 38 લોકો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હવે જોવાનું એ રહેશે કે રાજકીય આકાઓ અને મોટા ગજ્જાના આ ધનપતિઓ પર કાયદાનો કોરડો વીંઝાશે કે પછી મામલો રફેદફે થઈ જશે!
