/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/30135924/maxresdefault-398.jpg)
ભાજપના નેતા અને ભરુચના સાંસદ મનસુખ વસાવાએ 24 કલાકના અંદર જ રાજીનામું પરત ખેંચી લીધું છે. નાદુરસ્ત તબિયતનું કારણ ધરી પાર્ટીમાંથી રાજીનામું આપી પદ પરથી પણ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.
ભરૂચ લોકસભા વિસ્તારના સાંસદ અને ભાજપના નેતા મનસુખ વસાવાને રાજીનામાંના 24 કલાકમાં જ ભાજપે માનવી લીધા છે. સાંસદ મનસુખ વસાવાના રાજીનામાંના અચાનક વાઇરલ પત્ર બાદથી ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું. તેમના રાજીનામા પાછળ અને તર્ક ગઢવામાં આવ્યા હતા. જ્યાં આદિવાસીઓ સાથે અન્યાય અને નર્મદામાં ઇકો સેન્સેટીવ ઝોનમાં ગામડાઓનો સમાવેશ જેવી બાબતોમાં સરકારની કામગીરીથી નાખુશ થઈ રાજીનામુ આપી દીધું હોવાની વાતો સામે આવી હતી.
જો કે, રાજીનામા બાદ ખુદ સાંસદ મનસુખ વસાવાએ મીડિયા સમક્ષ ચોક્કસ કારણ રજૂ કર્યું હતું. અને પોતે તબિયત નાદુરસ્ત હોવાથી, કમરમાં દુખાવો હોવાથી લોકસભામાં તેમજ રાજનીતિમાં ન્યાય નહીં આપી શકે તેવું કારણ આગળ ધરી રાજીનામુ આપ્યું હોવાનું સ્વીકાર્યું હતું. રાજ્યના ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને રાજીનામાનો પત્ર રવાના કર્યો હતો જેના ઉપર સીઆર પાટીલે પ્રતિક્રિયા આપતા તેમને મનાવી લેવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. પરંતુ સાંસદ મનસુખ વસાવાએ પોતે પક્ષ મનાવશે તો પણ રાજીનામુ પાછું નહીં ખેંચીશ તેમ જણાવ્યુ હતું. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે પક્ષ કે સરકાર તરફથી કોઈ તકલીફ નથી.
સાસંદ મનસુખ વસાવાને મનાવવાના ભાજપના પ્રયત્નો ફળ્યા હતા. આખરે ગાંધીનગર આવીને સીએમને મળ્યા બાદ તેઓ માની ગયા હતા. સીએમ સાથેની વસાવાની બેઠક પૂર્ણ થયા બાદ તેઓએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમને ગઈકાલે આપેલું રાજીનામું પરત ખેંચ્યું હતું. મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, સરકાર કે પક્ષ તરફથી કોઈ તકલીફ નથી. પરંતુ મારી નાદુરસ્ત તબિયતના કારણે મેં ગઈકાલે રાજીનામું આપ્યું હતું. કેન્દ્રીય નેતૃત્વએ મને સાંસદ તરીકે ચાલુ રાખવાની સૂચના આપી છે. આથી હું રાજીનામું પરત ખેંચી રહ્યો છું. અને જો હું સાંસદ રહીશ તો સરકારી ખર્ચે મારી તબિયતની સારવાર થશે તેમ જણાવ્યુ હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે લગભગ 45 મિનિટ સુધી વેઠક ચાલી હતી.