ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખરચી ગામ ખાતે માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટ, રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટ અને સંકલ્પ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે મેગા આંખ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખરચી ગામ ખાતે આ કેમ્પ દરમિયાન ગ્રામજનોની આંખોની તપાસ ઉપરાંત બ્લડ શુગર અને બ્લડ પ્રેશરની પણ તપાસ કરવામાં આવી હતી. આંખોની તપાસ બાદ જરૂરિયાત જણાય તેવા લાભાર્થીઓને નિઃશુલ્ક ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારમાં યોજાયેલા આ આરોગ્યલક્ષી કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓ અને ગ્રામજનોએ ઉપસ્થિત રહી તબીબી સેવાઓનો લાભ લીધો હતો.
આ કેમ્પમાં ડો.સંદીપ વાંસદીયા અને રશ્મિકાંત કંસારા સહિત તબીબી ટીમ દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. આંખોની વિવિધ સમસ્યાઓ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ બ્લડ પ્રેશર અને બ્લડ શુગરની તપાસ કરીને આરોગ્ય અંગે જરૂરી સલાહ આપવામાં આવી હતી.આ પ્રસંગે સંકલ્પ ફાઉન્ડેશન, ભરૂચના સંજય તલાટી, ખરચી ગામના માજી સરપંચ લક્ષ્મીબેન સુખદેવ વસાવા, જયેશ વસાવા, જસવંતસિંહ રાજપૂત સહિત આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહેતા સમગ્ર સ્થળે આરોગ્ય તપાસ માટેનો માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આંખોની તપાસ સહિતની આરોગ્ય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ ન હોવાને કારણે આવા નિઃ શુલ્ક આરોગ્ય કેમ્પો લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે.
