બનાસકાંઠામાં ભારતીય કિસાન સંઘના નેતૃત્વ હેઠળ આગામી દિવસોમાં સરકાર સામે આરપારની લડાઈ લડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે આગામી સમયમાં મોટા આંદોલનના એંધાણ વર્તાય રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં સરકાર સામે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે, અને ભારતીય કિસાન સંઘના નેતૃત્વ હેઠળ આગામી દિવસોમાં સરકાર સામે આરપારની લડાઈ લડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.પાલનપુરના ચંડીસર ખાતે ભારતીય કિસાન સંઘ અને જિલ્લાના ખેડૂતોની એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં 10 હજારથી વધુ ખેડૂતોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવાનો નિર્ણય લેવાયો છે.
બનાસકાંઠા જિલ્લો જે મુખ્યત્વે બટાકા અને રોકડિયા પાકોના ઉત્પાદન માટે જાણીતો છે, ત્યાંના ખેડૂતો હવે આંદોલનના મૂડમાં આવ્યા છે. ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ અને લાભો આપતી વખતે બનાસકાંઠાના ખેડૂતો સાથે ઓરમાયું વર્તન કરી રહી છે.
આ બેઠક દરમિયાન આંદોલનને લગતા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી,જેમાં રાજ્ય સરકાર દ્વારા બટાકા સબસિડીની જે જાહેરાતો કે યોજનાઓ અમલમાં મુકાઈ, તેનો યોગ્ય લાભ બનાસકાંઠાના ખેડૂતો સુધી પહોંચ્યો નથી.તેમજ મગફળી બિયારણ ખરીદી પર મળતી સબસિડી યોજનાના લાભમાંથી પણ બનાસકાંઠાના ખેડૂતોને બાકાત રાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયો છે.આ ઉપરાંત 15 વર્ષ જૂના ટ્રેક્ટરોને રિન્યુ કરાવવાના ખર્ચ અને નિયમોને લઈને ખેડૂતોમાં ભારે રોષ છે.
હવે જોવાનું એ રહે છે કે ખેડૂતોના આ ઉગ્ર વલણ અને આંદોલનની ચેતવણી બાદ સરકાર બનાસકાંઠાના ખેડૂતોની માંગણીઓ પ્રત્યે શું વલણ અપનાવે છે.
